ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે પાટણના ઐતિહાસિક પંચમુખી હનુમાન મંદિરે ભક્તોની ભક્તિનો પ્રવાહ ઉમટ્યો હતો. ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ અન્ય રાજ્યોમાંથી હજારો ભક્તોએ આ તીર્થ પર આવી ગુરુ ગાદી અને ગુરુ નર્મદગીરી મહારાજની સમાધિના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ મંદિર માત્ર ભક્તિ ના માહોલ ની સાથે ઐતિહાસિક વારસો પણ છે. આશરે ૪૦૦ વર્ષથી વધુ જૂના આ મંદિરમાં દસથી પણ વધુ પેઢીઓથી ગુરુ પરંપરા ચાલે છે. અહીં અનેક જીવંત સમાધિ ધરાવતા ગુરુઓની યાદગારી સંગ્રહાયેલી છે.
સ્થળ પર અખંડ ધૂણી છેલ્લા ચાર સદીઓથી જલતી રહી છે, જેને પવિત્ર માનવામાં આવે છે. ભક્તો આ ધૂણીની ભભૂતિને પ્રસાદરૂપે ઘરે લઈ જાય છે. આ ભભૂતિને લોકોએ આરોગ્ય અને આધ્યાત્મ માટે અત્યંત ફળદાયી માનેલી છે.
મંદિરમાં સ્થિત મહાકાળી અને મહાદેવના મંદિર પણ આ સ્થાનને વિશિષ્ટ બનાવે છે. ગુરુ પૂર્ણિમાની શુભ પરંપરામાં, મંદિરના સેવકો દ્વારા ભવ્ય રીતે પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો.
આ દિવસે પૂર્ણ શ્રદ્ધા અને ભાવના સાથે ગુરુ ગાદિની આરાધના કરવામાં આવી અને ભક્તોએ અધ્યાત્મિક શાંતિની અનુભૂતિ કરી.