લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી કરવા ઓડિશાના ઢેંકનાલ પહોંચ્યા હતા. અહીં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ રાજ્યની બીજુ જનતા દળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે જેમાં ચાર તબક્કાનું મતદાન પહેલા થઈ ચૂક્યું છે.
વડાપ્રધાન મોદી ભાજપ માટે રેલીઓ કરી રહ્યા છે
લોકસભા ચૂંટણી 2024 હવે તેના અંત તરફ આગળ વધી રહી છે. વડાપ્રધાન મોદી દેશના વિવિધ રાજ્યોમાં જઈને ભારતીય જનતા પાર્ટી માટે રેલીઓ પણ કરી રહ્યા છે. ત્યારે આજે પીએમ મોદી ઓડિશા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સૌથી પહેલા પુરીમાં ભગવાન જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી. આ પછી પુરીમાં સંબિત પાત્રા માટે રોડ શો કર્યો હતો. ત્યારબાદ પીએમ મોદી રેલી કરવા ઓડિશાના ઢેંકનાલ પહોંચ્યા હતા. અહીં જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ રાજ્યની બીજુ જનતા દળ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ એવો પણ દાવો કર્યો કે આ વખતે ઓડિશામાં ડબલ એન્જિનની સરકાર બનશે.
ઓડિશાએ આટલા વર્ષોમાં શું મળ્યું? : PM મોદી
વડાપ્રધાન મોદીએ પોતાની રેલીની શરૂઆત જય જગન્નાથ અને જય શ્રી રામના નારા લગાવીને કરી હતી. વડાપ્રધાને બીજેડી સરકાર પર પ્રહાર કરતા લોકોને કહ્યું હતું કે ‘તમે 25 વર્ષ સુધી બીજેડી સરકાર પર ભરોસો મૂક્યો. પરંતુ આજે લોકો વિચારી રહ્યા છે કે ઓડિશાએ આટલા વર્ષોમાં શું મળ્યું?. આજે પણ અહીં ખેડૂતો પરેશાન છે. યુવાનો નોકરી માટે અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારો જ્યાં જળ, જંગલ, જમીન અને ખનીજ સંપત્તિ છે, ત્યાં સૌથી વધુ દુર્દશા છે. મોટા ભાગનું સ્થળાંતર આ વિસ્તારોમાંથી થાય છે. મેં શપથગ્રહણની તારીખ પહેલા જ જણાવી દીધી છે. હું દરેકને આમંત્રિત કરવા આવ્યો છું કે ભાજપની ડબલ એન્જિન સરકારનો શપથ ગ્રહણ સમારોહ 10 જૂને ઓડિશામાં યોજાશે. બીજેડી સરકારની વિદાય નિશ્ચિત છે.’
ઓડિશાને કોણે બર્બાદ કર્યું?
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે ‘આટલા સમૃદ્ધ ઓડિશામાં લોકો આટલી ગરીબીમાં કેમ જીવવા મજબૂર છે. હું સોમનાથની ધરતીથી જગન્નાથની ભૂમિને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું. પરંતુ જ્યારે હું ઓડિશાની ગરીબી જોઉં છું ત્યારે મને પીડા થાય છે. આટલું સમૃદ્ધ રાજ્ય, આટલી મોટી ધરોહર, મારા ઓડિશાને કોણે બર્બાદ કરી નાખ્યું? કોણે યુવાઓના સપનાં કચડી નાખ્યાં? આ બધી વાતો ખૂબ તકલીફ આપે છે.
બીજેડી સરકારે ભ્રષ્ટાચાર કર્યો
વડાપ્રધાન મોદીએ ભ્રષ્ટાચારને લઈને બીજેડી સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું કે ‘2014માં વડાપ્રધાન બન્યા બાદ મેં નવી માઈનિંગ પોલિસી બનાવી. આ અંતર્ગત ઓડિશાને વધુ રોયલ્ટી મળે છે. અમે નિયમ બનાવ્યો કે ખનીજની કમાણીનો એક હિસ્સો અહીં જ રહે અને લોકોના વિકાસ માટે વાપરવામાં આવે. અમે મિનરલ ફંડ હેઠળ ઓડિશાને 26 હજાર કરોડ રૂપિયા આપ્યા છે. આ રૂપિયા બાળકોની શાળા અને ઢેંકનાલમાં ગામડાના રસ્તાઓ માટે ખર્ચવાના હતા. પરંતુ બીજેડી સરકારે તેમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો હતો.’