પાકિસ્તાનના કરાચીમાં આજે એક શોપિંગ મોલમાં આગ લાગી ગઈ હતી. આ આગની લપેટમાં આવી જવાથી 11 લોકોના મોત થઈ ગયા છે અને આ ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. બીજી તરફ ઘણા લોકો હજુ મોલમાં ફસાયા હોવાની પણ ખબર મળી રહી છે.
આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી થયુ
પ્રાપ્ત માહિતી પ્રમાણે મોલમાં આ આગ આજે સવારે લગભગ 7:00 વાગ્યે લાગી ગઈ હતી. બીજી માળ પર લાગેલી આ આગ એક બાદ એક ચોથા, પાંચમાં અને છઠ્ઠા માળ સુધી પહોંચી ગઈ હતી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, આ આગ કયા કારણોસર લાગી. ઘટનાસ્થળે જ ફાયર વિભાગની 12 ગાડીઓ અને 50થી વધુ ફાયર ફાઈટરોએ આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બિલ્ડિંગમાં ફસાયેલા 42 લોકોને લગભગ તરત જ બચાવી લેવામાં આવ્યા હતા.
મોટા ભાગના લોકોના મોત ધુમાડો અને આગના ડરના કારણે થયા
ફાયર વિભાગના ઓફિસર મુબીન અહમદે જણાવ્યું કે, ઘટનામાં મોટા ભાગના લોકોના મોત ધુમાડો અને આગના ડરના કારણે થયા છે.કારણ કે, ભીષણ આગને નિયંત્રિત કરવા માટે અચાનક જ વીજળી કટ કરી દેવામાં આવી હતી.તેમણે જણાવ્યું કે, મોલમાં હજુ પણ ફસાયેલા લોકોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 42 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જે પુરુષ છે.