વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેઓના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦૧૪ અને ૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા.૦૭મી થી ૧૫મી ઓક્ટોબર-૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉજવણીમાં આઈકોનિક સ્થળ ખાતે યોજવાની થતી વિકાસ પદયાત્રાના આયોજન અંગે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લામાં પણ “વિકાસ સપ્તાહ”ની ઉજવણી પ્રતિદિન અલગ-અલગ થીમ આધારિત કાર્યક્રમો થઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીના જાહેર જીવનના ૨૩ વર્ષની વિકાસ યાત્રાની સફળતાના ભાગરૂપે ૨૩ આઈકોનિક સ્થળો ખાતે પદયાત્રા યોજવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં આવેલાં વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તા. તા.૧૫મી ઓક્ટોબરના રોજ આ પદયાત્રા સવારે ૯-૦૦થી ૧૧-૦૦ કલાક સુધી SOUથી એકતા પરેડ ગ્રાઉન્ડ અને તેના રૂટ પ્રમાણે ફરશે.
જિલ્લા કલેક્ટરર એસ.કે.મોદીએ પદયાત્રાના આયોજન અંગે જણાવ્યું કે, આઈકોનિક સ્થળ ખાતે પદયાત્રા યોજાનાર હોઈ તેમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ, પદાધિકારી ઓ, કર્મચારીશ્રીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિશ્રીઓ, શાળાના શિક્ષકો, આઈસીડીએસના આંગણવાડી-આશાવર્કર બહેનો, મધ્યાહન ભોજન સંચાલકો, ફેરપ્રાઈઝ શોપ હોલ્ડર્સ, SRP-પોલીસ જવાનો, NCC-હોમગાર્ડના જવાનો, SOU નો સ્ટાફ સહિત જિલ્લા-તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં સક્રિયરીતે સહભાગી બને તેવી ખાસ અપીલ કરી હતી. કાર્યક્રમનું સુંદર રીતે આયોજન થાય અને સુપેરે પાર પડે તે માટે અધિકારી ઓને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, SoUADTGA ના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સંજય શર્મા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.