‘આરોહણ’ અંતર્ગત અનોખી રમત પહેલ; ગુજરાતભરની પ્રતિભાઓને મળ્યું રાજ્યકક્ષાનું મંચ
આણંદમાં ખો-ખોની રમતને નવી ઓળખ અને પ્રતિભાશાળી ખેલાડીઓને મોટું મંચ આપવાના ઉદ્દેશ સાથે એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજ, આણંદ (ઓટોનોમસ) ખાતે રાજ્યકક્ષાની ‘KHO KHO LEAGUE–2026’નો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ખેલાડીઓની ઓક્શન પદ્ધતિથી પસંદગી કરીને લીગ યોજવાની આ પહેલ રમતજગતમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે.
સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, આણંદના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડૉ. ભીખુભાઈ પટેલના ૨૦ વર્ષના સફળ સેવાકાળના ગૌરવપૂર્ણ ઉત્સવ ‘આરોહણ’ નિમિત્તે કોલેજના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા આ રાજ્યકક્ષાની લીગનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષસ્થાને સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ડૉ. બી. એન. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજનભાઈ પટેલ, મુખ્ય અતિથિ તરીકે આઈ.આઈ.ટી.ઈ., ગાંધીનગરના કુલપતિ ડૉ. મુકેશભાઈ પટેલ તેમજ વિશેષ અતિથિ તરીકે વિશ્વસ્તરે ખો-ખોમાં ગુજરાત અને દેશનું નામ રોશન કરનાર બફાતીશા દિવાન ઉપસ્થિત રહ્યા હતા. નાદુરસ્ત તબિયત છતાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા બફાતીશા દિવાનની હાજરીએ સમારોહને વિશેષ ગૌરવ અપાવ્યું હતું.
આ પ્રસંગે જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી અને મંત્રી અન્વેશભાઈ પટેલ, કેમ્પસ ડિરેક્ટર કાર્તિકભાઈ દવે અને OSD ડૉ. એમ. જી. મન્સૂરી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના આચાર્ય પ્રો. પ્રશાંત પટેલે મહેમાનો અને રાજ્યભરમાંથી આવેલા ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. જ્યારે સમગ્ર આયોજનની સંકલ્પનાથી અમલીકરણ સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કોલેજના DPE ડૉ. હરેન્દ્રસિંહ સોલંકીએ KHO KHO LEAGUE–2026ની પૃષ્ઠભૂમિ અને હેતુ અંગે માહિતી આપી હતી.
ઓક્શન પદ્ધતિ બની લીગનું મુખ્ય આકર્ષણ
આ લીગની સૌથી વિશેષ બાબત ખેલાડીઓની પસંદગી માટે અપનાવવામાં આવેલી ઓક્શન પદ્ધતિ છે. ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાંથી ખેલાડીઓની પસંદગી કરીને તેમને એક જ રાજ્યકક્ષાના મંચ પર રમવાની તક આપવામાં આવી છે. આયોજકોના જણાવ્યા મુજબ આ પહેલથી નવી પ્રતિભાઓને પોતાની રમત બતાવવાની તક મળશે અને ગુજરાતમાં ખો-ખોને વધુ વ્યાપક તથા વ્યાવસાયિક સ્તરે આગળ લઈ જવામાં મદદ મળશે.
લીગના પ્રારંભ સાથે એન. એસ. પટેલ આર્ટ્સ કોલેજનું મેદાન ખેલાડીઓના જોશ અને રમતગમતની ઊર્જાથી ગુંજી ઊઠ્યું હતું. KHO KHO LEAGUE–2026 રાજ્યના વિવિધ વિસ્તારોની પ્રતિભાઓને એક મંચ પર લાવી નવી રમતપ્રતિભાઓને પ્રોત્સાહિત કરતી મહત્વપૂર્ણ પહેલ બની છે.
ભાવેશ સોની (આણંદ )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel