આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુવક-યુવતીઓને રેલવે વિભાગમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી બનાવટી ઓફર લેટર, આઈ-કાર્ડ અને અન્ય દસ્તાવેજો આપીને છેતરપિંડી કરવાના કથિત કૌભાંડનો આણંદ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે તુષાર પુરોહિત અને સુલોચનાબેન પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં છ વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. 5.07 લાખની ઠગાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના ધવલકુમાર મોહનભાઈ પટેલને ડિસેમ્બર-2025 દરમિયાન તેમના મિત્ર હર્ષ યોગેશભાઈ પટેલ મારફતે અમદાવાદના તુષાર પુરોહિત અને ચકલાસીના સુલોચનાબેન રેલવેમાં સરકારી નોકરી અપાવવાનું કામ કરતા હોવાની જાણ થઈ હતી. ધવલકુમારે પોતાની પત્ની ધ્રુવિયાને રેલવેમાં નોકરી અપાવવા માટે તેમનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદ મુજબ, તુષાર પુરોહિતે સામરખા ચોકડી નજીક ધવલકુમારને મળી પોતાની ઓળખ રેલવેના ઉચ્ચ અધિકારી તરીકે આપી કથિત બનાવટી આઈ-કાર્ડ બતાવ્યું હતું. ત્યારબાદ તેમની પત્નીને રેલવે કોર્ટમાં ક્લાર્કની નોકરી અપાવવાની વાત કરી શરૂઆતમાં ફોર્મ ફી તરીકે રૂ. 3,500 ગૂગલ પે મારફતે મેળવ્યા હતા. તા. 28 જાન્યુઆરી, 2026ના રોજ સુલોચનાબેનના ઘરે લેખિત પરીક્ષા લેવાઈ હતી અને તેના નામે વધુ રૂ. 5,000 લેવામાં આવ્યા હતા.
આ પછી જુદી-જુદી પરીક્ષાઓ, પ્રક્રિયા અને લેટરના નામે અલગ-અલગ સમયે કુલ રૂ. 55 હજાર ગૂગલ પે તથા રોકડ સ્વરૂપે લેવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તા. 12 ફેબ્રુઆરી, 2026ના રોજ તાલીમ માટેના કથિત આઈ-કાર્ડ ટપાલ મારફતે મોકલવામાં આવ્યા હતા. જુલાઈ-2026માં નડિયાદ ખાતે પ્રેક્ટિકલ પરીક્ષા લીધા બાદ ‘પશ્ચિમ રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમદાવાદ’ના સિક્કાવાળા કથિત બનાવટી લેટર પણ આપવામાં આવ્યા હતા.
બાદમાં આઈ-કાર્ડ અને લેટરની ખરાઈ કરવામાં આવતાં સમગ્ર મામલો શંકાસ્પદ જણાયો હતો. તપાસમાં રેલવેની નોકરી, આઈ-કાર્ડ અને આપવામાં આવેલા લેટર બોગસ હોવાનું સામે આવતાં ધવલકુમાર પટેલે આણંદ સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(4), 336(3), 337, 338, 340(2), 204 અને 61(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.કે. ડોડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. રીષીએ તપાસ આગળ ધપાવી હતી.
બાતમીના આધારે પોલીસે આરોપી તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિત, મૂળ રાજપીપળા અને હાલ ગોત્રી રોડ, વડોદરા તથા સુલોચનાબેન કમલેશભાઈ પટેલ, રહે. ચકલાસી, તા. નડિયાદ, જિ. ખેડાની ધરપકડ કરી હતી.
બંનેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન થયેલી તપાસમાં રેલવે કોર્ટમાં નોકરી અપાવવાના બહાને કુલ છ વ્યક્તિઓ પાસેથી રૂ. 5,07,000ની ઠગાઈ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તેમજ વધુ લોકો આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.
બાઈટ જે એન પંચાલ (ડી વાય એસ પી આણંદ )
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel