આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવ્યો છે. જિલ્લામાં મીઠાઈ, માવો અને ડેરી પ્રોડક્ટ્સના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરતા વેપારીઓ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટ અને કેન્ટીનમાં વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
તબીબી અધિકારીઓ અને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાનના કેમિસ્ટ દ્વારા વિવિધ મીઠાઈઓ, કાજુ કતરી અને માવાના 24 જેટલા નમૂનાઓનું સ્થળ પર જ તાત્કાલિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કાયદેસરની તપાસ અને લેબોરેટરી વિશ્લેષણ માટે મીઠાઈ, દૂધ, પનીર અને પેંડાના 16 નમૂના તેમજ હોટેલ-રેસ્ટોરન્ટમાંથી તૈયાર ખોરાકના 4 નમૂના મળી કુલ 20 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ તેના આધારે નિયમાનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
8 પેઢીઓમાં ખામી જણાતાં નોટિસ
તપાસ દરમિયાન માત્ર ખાદ્ય ચીજોની ગુણવત્તા જ નહીં પરંતુ તેના સંગ્રહ, હેન્ડલિંગ અને સ્વચ્છતાના ધોરણોની પણ બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. નિયમોના પાલનમાં ખામીઓ જણાતાં કુલ 8 પેઢીઓને ‘ઇમ્પ્રુવમેન્ટ નોટિસ’ ફટકારવામાં આવી છે.
સંબંધિત વેપારીઓને નિયત સમયમર્યાદામાં જરૂરી સુધારાત્મક પગલાં લઈ જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. સમયસર સુધારા નહીં કરવામાં આવે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભેળસેળિયા તત્વો સામે ઝુંબેશ ચાલુ રહેશે
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફૂડ બિઝનેસ ઓપરેટરોને ઉત્પાદન અને વેચાણ દરમિયાન સ્વચ્છતા જાળવવા, ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકીને રાખવા તેમજ કાચા અને તૈયાર ખોરાકને અલગ રાખવા સૂચના આપી છે.
જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસ સતત ચાલુ રાખવામાં આવશે, જેથી ભેળસેળ અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વો સામે કાર્યવાહી કરી શકાય.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel