ઉમરેઠ અને સમગ્ર ચરોતર પંથક માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠના ઐતિહાસિક સંતરામ મંદિરના મહંત પૂજ્ય શ્રી ગણેશદાસજી મહારાજનું નિધન થતાં સંતરામ મંદિર પરિવાર, ભક્તજનો તેમજ સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.
પૂજ્ય ગણેશદાસજી મહારાજે વર્ષો સુધી સંતરામ મંદિરના મહંત તરીકે ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાની સાથે સેવા, શિક્ષણ, આરોગ્ય અને માનવકલ્યાણના કાર્યોને સતત પ્રોત્સાહન આપ્યું હતું. તેમના સરળ સ્વભાવ અને સેવાભાવી વ્યક્તિત્વને કારણે ઉમરેઠ ઉપરાંત આસપાસના ગામોમાં પણ તેમનો વિશાળ ભક્તવર્ગ હતો.
સંતરામ મંદિર સાથે સંકળાયેલી પદયાત્રી સેવા ટ્રસ્ટ, સંતરામ ગૌશાળા, સંતરામ છાત્રાલય સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમનું માર્ગદર્શન મળતું રહ્યું હતું. ખાસ કરીને બી.ડી. પટેલ જનરલ હોસ્પિટલની સેવાકીય કામગીરીમાં પણ મહંતશ્રીએ લાંબા સમય સુધી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જરૂરિયાતમંદ લોકોને આરોગ્યસેવા મળી રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા.
ગુરુપૂર્ણિમા સહિતના ધાર્મિક પર્વો અને વિવિધ પ્રસંગોએ મોટી સંખ્યામાં ભક્તો મહંતશ્રીના દર્શન અને આશીર્વાદ લેવા ઉમટી પડતા હતા. રામકથા તેમજ અન્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં પણ તેઓ માર્ગદર્શન અને આશીર્વચન આપતા રહ્યા હતા.
માનવસેવાને પ્રાધાન્ય આપતા મહંતશ્રીએ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું હતું. વર્ષ 2025 દરમિયાન ટીબીના દર્દીઓ માટે પૌષ્ટિક કીટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ તેમનું માર્ગદર્શન અને સહયોગ રહ્યો હતો.
પૂજ્ય ગણેશદાસજી મહારાજના નિધનથી ઉમરેઠે માત્ર એક ધાર્મિક આગેવાન જ નહીં, પરંતુ સેવા અને સંસ્કારની પરંપરાને આગળ વધારનાર સેવાભાવી સંત ગુમાવ્યો છે. તેમના નિધનથી સંતરામ મંદિર પરિવાર, અનુયાયીઓ, ભક્તજનો અને સેવાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.
પૂજ્ય ગણેશદાસજી મહારાજને ભાવભીની શ્રદ્ધાંજલિ.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel