દેશભરમાં વધતા ગુનાઓની પડઘમ વચ્ચે અમદાવાદના બહેરામપુરામાં રહેતા એક નિર્વૃત વૃદ્ધનો “ડિજીટલ અરેસ્ટ” કરવાના ડ્રામા દ્વારા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઘટનામાં રહસ્યમય રીતે ઓપરેટ થતી ગઠીલા ટોળકી દ્વારા આધારકાર્ડના આતંકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે એવી ખોટી ધમકી આપી વૃદ્ધને ડરાવવામાં આવ્યો હતો. આરોપીઓએ કહ્યું કે તેમનો આધારકાર્ડ કર્ણાટક અને તમિલનાડુમાં આતંકી કૃત્યમાં વપરાયો છે અને હવે મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરવાની તૈયારી રાખી છે. આ રીતે માનસિક દબાણ ઊભું કરી વૃદ્ધને ડિજીટલ રીતે “અરેસ્ટ” કરવામાં આવ્યા હોવાનું જણાવીને મોટો આર્થિક ભોગ લેવાયો.
આ આરોપીઓએ વૃદ્ધને કહ્યું કે “જો તમે ધરપકડથી બચવા માંગતા હો, તો તરત જ અમુક રકમ ટ્રાન્સફર કરો” અને આ રીતે RTGS મારફતે વૃદ્ધ પાસેથી ₹3 લાખની રકમ પડાવી લીધી. બાદમાં ફરીથી ₹7 લાખની માંગણી કરવામાં આવી, જે પછી વૃદ્ધને શંકા જાગી અને તેમણે તત્કાલ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
નકલી પોલીસના રૌબમાં અને ફરજી સજાના ખૌફમાં આવીને સરેંડર ન કરો !!
બહેરામપુરામાં રહેતા વૃદ્ધ સાથે થયેલા "ડિજિટલ એરેસ્ટ" મામલે કાગડાપીઠ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો.
ડિજિટલ અરેસ્ટના નામથી કોઈ પણ નાગરિકને ડરવાની જરૂર નથી, કારણ કે, આ પ્રકારની કોઈ પ્રક્રિયા હોતી… pic.twitter.com/ds3exInfgB
— Gujarat Police (@GujaratPolice) July 11, 2025
પોલીસે ફરિયાદને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી અને ગુનાના સૂત્રધારો સુધી પહોંચી ગઈ. તપાસમાં રાણીપમાં રહેતા શ્રવણ સાગરા અને વિવેક ઉર્ફે કોકો રાઠોડ નામના બે આરોપીઓનું કનેક્શન સામે આવ્યું, જેમને તાત્કાલિક ધરપકડ કરવામાં આવ્યા. તેમની પુછપરછ દરમ્યાન સુરતના ક્રિષ્ણમોહન કાકડિયાનું નામ બહાર આવ્યું, જેને પણ પોલીસે ઝડપી પાડ્યો છે.
આ આગળની તપાસમાં સૌથી ચોંકાવનારી વિગતો બહાર આવી છે – દિલ્લીમાં ‘સેન્ડી’ નામનો વ્યક્તિ એક ફ્રોડ સેન્ટર ચલાવે છે, જ્યાં આ પ્રકારના ડિજીટલ અરેસ્ટ અને અન્ય સાયબર ગુનાઓનું આયોજન અને અમલ થાય છે. પોલીસ હવે આ સેન્ટર સુધી પહોંચી તોડફોડ માટે વિશેષ ટીમો દિલ્લી રવાના કરી રહી છે.
આ કિસ્સો એક મોટું ચેતવણીચિહ્ન છે કે ડિજિટલ યુગમાં કેવી રીતે ભૂલો અને ડરનો લાભ લઈને નિર્દોષ નાગરિકો (વૃદ્ધો)ને લૂંટી લેવાઈ રહ્યા છે. ટેક્નોલોજીનો ઉપયોગ હવે માત્ર માહિતી માટે નહીં, પણ છેતરપિંડી માટે પણ શક્તિશાળી હથિયાર બની રહ્યો છે.
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ આધારકાર્ડ કે અન્ય ઓળખના દસ્તાવેજના દુરુપયોગ અંગે કોઈ અજાણ્યા ફોન કૉલ આવે તો તરત પોલીસ, સાયબર સેલ અથવા 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો જોઈએ.