રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે 199 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે અને 3 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામ પહેલા પોલસ્ટ્રેટના સર્વે અનુસાર એક્ઝિટ પોલનો પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. રાજસ્થાનમાં ભાજપ સત્તા પર આવી શકે છે. ભાજપને 199 બેઠકોમાંથી અહીં 100થી 110 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 90થી 100 બેઠકો મળી શકે છે. તો અન્યના ફાળે 5થી 15 બેઠકો જઈ શકે છે.
CNXના એક્ઝિટ પોલ અનુસાર પણ રાજસ્થાનમાં ભાજપ આગળ છે. ભાજપને 199 બેઠકોમાંથી 111 બેઠકો મળી શકે છે. તો કોંગ્રેસને 74 બેઠકો મળી શકે છે. તો અન્યના ફાળે 14 બેઠકો જઈ શકે છે.
વોટ શેરમાં પણ ભાજપ આગળ
વોટ શેરની વાત કરીએ તો તેમાં પણ ભાજપ 41.8 ટકા વોટ શેર સાથે ટોપ પર છે, કોંગ્રેસને 39.9 ટકા વોટ શેર મળતા જોવા મળી રહ્યા છે. આ સિવાય એવો અંદાજ છે કે 18.3 ટકા વોટ શેર અન્યના ખાતામાં જશે.
રાજસ્થાનમાં બીજેપીના ઘણા નેતાઓની વિશ્વસનીયતા દાવ પર
રાજસ્થાનમાં બીજેપીના ઘણા નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે, તેમાં વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, સાંસદ દિયા કુમારી, વિપક્ષના નાયબ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, રાજ્યવર્ધન રાઠોડ, કિરોરી લાલ મીના અને બાબા બાલકનાથનો સમાવેશ થાય છે. આ સિવાય દિવંગત ગુર્જર નેતા કિરોરી સિંહ બૈંસલાના પુત્ર વિજય બૈંસલા પણ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.
2018ની ચૂંટણીનું પરિણામ
2018ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસ રાજસ્થાનમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસે 107 બેઠકો જીતી હતી, ભાજપે 70 બેઠકો જીતી હતી, CPI(M) અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ 2-2 બેઠકો જીતી હતી. આ સિવાય આરએલપીને ત્રણ અને રાષ્ટ્રીય લોકદળે એક બેઠક જીતી હતી. તો 13 બેઠકો અપક્ષે પણ જીતી હતી.