બોલિવૂડના જાણીતા અભિનેતા પ્રકાશ રાજને ED દ્વારા તપાસ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. EDએ પ્રકાશ રાજને પૂછપરછ માટે 10 દિવસમાં હાજર થવા કહ્યું છે. ED દ્વારા જાહેર કરાયેલા સમન્સને કારણે પ્રકાશ રાજ વિવાદમાં ફસાયા છે. 100 કરોડના કેસમાં પ્રકાશ રાજનું નામ સામે આવ્યું છે.
આ કેસ પ્રણવ જ્વેલર્સ સાથે સંબંધિત છે. પ્રણવ જ્વેલર્સના મની લોન્ડરિંગ કેસમાં EDએ પ્રકાશ રાજને સમન્સ પાઠવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોન્ઝી સ્કીમ કૌભાંડના સંદર્ભમાં, EDએ તમિલનાડુના ત્રિચીમાં પ્રખ્યાત પ્રણવ જ્વેલર્સ પર દરોડા પાડ્યા હતા.
પ્રકાશ રાજને પૂછપરછ માટે બોલાવ્યા
પ્રકાશ રાજ પ્રણવ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. દરોડા બાદ પ્રકાશ રાજને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કેટલાક વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવતી પોન્ઝી સ્કીમ કેસમાં પ્રણવ જ્વેલર્સનું નામ પણ સામે આવ્યું છે. તપાસ દરમિયાન EDએ કેટલાક ડોક્યુમેન્ટ્સ રૂપિયા 23.70 લાખની રકમ અને કેટલાક ઘરેણાં જપ્ત કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન EDને ઘણા દસ્તાવેજો મળ્યા હતા. જેમાંથી કેટલાક શંકાસ્પદ વ્યવહારો પણ બહાર આવ્યા હતા. ઇડીએ ત્રિચીની આર્થિક અપરાધ શાખા દ્વારા દાખલ કરાયેલી માહિતી અહેવાલ બાદ તપાસ શરૂ કરી હતી.
ED summons actor Prakash Raj for questioning in ponzi scam-linked money laundering case against Trichy-based jewellery group: Officials
— Press Trust of India (@PTI_News) November 23, 2023
જનતાના પૈસા પરત કરવામાં અસમર્થ
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રણવ જ્વેલર્સે સામાન્ય લોકો પાસેથી ઊંચા વળતરના વચન સાથે 100 કરોડ રૂપિયા લીધા હતા. આ માટે કેટલાક લોકોએ સોનામાં રોકાણ કર્યું હતું. પરંતુ પ્રણવ જ્વેલર્સ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામાન્ય જનતાના પૈસા પરત કરવામાં અસમર્થ હતા. તેઓએ સામાન્ય લોકોને ગેરમાર્ગે દોર્યા અને રાત્રે શોરૂમ બંધ કરી દીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પોન્ઝી સ્કીમ ચેન્નાઈની સાથે ઈરોડ, નાગરકોઈલ, મદુરાઈ, કુંભકોનમ અને પુડુચેરીમાં પ્રણવ જ્વેલર્સના શોરૂમમાં લોન્ચ કરવામાં આવી હતી. ઘણા લોકોએ આમાં પૈસા રોક્યા હતા. પરંતુ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી બહાર આવી રહી છે. આ કેસમાં પ્રકાશ રાજનું નામ પણ સામે આવ્યું છે. જેથી હવે આગળ શું થશે તેના પર સૌનું ધ્યાન ખેંચાયું છે.