કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિને જોતાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યો મણિપુર, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA)ને છ મહિના સુધી લંબાવ્યો છે. ગૃહમંત્રાલયની નોટિફિકેશન અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા મણિપુર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સશસ્ત્ર દળ અધિનિયમ, 1958ની કલમ 3 દ્વારા મળતી તાકાતનો પ્રયોગ કરતા 5 જિલ્લાના 13 પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં આવતા વિસ્તારોને છોડીને સંપૂર્ણ મણિપુર રાજ્યને તારીખ 1 એપ્રિલ 2025થી છ મહિના સુધી એટલે કે આગામી નોટિફિકેશન ન આવે ત્યાં સુધી વિસ્તારને ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવશે.
નોટિફિકેશન અનુસાર, નાગાલેન્ડ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વધુ સમીક્ષા કરવામાં આવી છે અને AFSPA છ મહિના માટે લંબાવવામાં આવ્યો છે. નાગાલેન્ડના જે જિલ્લાઓમાં AFSPA ફરીથી લાગુ કરવામાં આવ્યો છે, તેમાં દિમાપુર, નિઉલેન્ડ, ચુમોકેડિમા, મોન, કિફિરે, નોકલાક, ફેક અને પેરેનનો સમાવેશ થાય છે. કોહિમા જિલ્લામાં ખુઝામા, કોહિમા ઉત્તર, કોહિમા દક્ષિણ, ઝુબ્ઝા અને કેઝોચા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારો, મોકોકચુંગ જિલ્લાના માંગકોલેમ્બા, મોકોકચુંગ-૧, લોંગથો, તુલી, લોંગચેમ અને અનાકી ‘સી’ સામેલ છે.
સુરક્ષા દળોને સોંપાઈ જવાબદારી
ગૃહ મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશન અનુસાર, મણિપુરના અમુક ક્ષેત્રોમાં અશાંતિ અને હિંસાની સ્થિતિને ધ્યાનમાં લેતાં પગલાં લેવામાં આવ્યા છે. AFSPA હેઠળ સશસ્ત્ર દળો કોઈપણ શંકાશીલ વ્યક્તિની ધરપકડ, તપાસ કરી શકે છે, તેમજ જરૂર પડવા પર ગોળી પણ મારી શકે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ શાંતિ સુનિશ્ચિત થાય તે હેતુ સાથે AFSPA ને લંબાવવામાં આવ્યો છે. રાજ્ય ઉગ્રવાદી અને અલગાવવાદી સમુદાયોની હિંસાનો સામનો કરી રહ્યું છે.
મણિપુરના 13 વિસ્તારો AFSPA થી મુક્ત
ઉલ્લેખનીય છે, મણિપુરના અમુક ખાસ 13 વિસ્તારોને AFSPA થી બાકાત રાખવામાં આવ્યા છે. આ વિસ્તારોની સ્થિતિમાં સુધારો નોંધાયો હોવાથી તેમજ શાંતિ સ્થાપિત થઈ હોવાના સંકેતો સાથે સરકારે તેને AFSPA થી મુક્ત કર્યા છે.
શું છે AFSPA?
AFSPA એ એક એવો કાયદો છે, જે ભારતીય સેના અને અન્ય સુરક્ષા દળોને વિશેષ અધિકાર આપે છે. જેથી તે ઉગ્રવાદ, આતંકવાદ જેવા સંકટગ્રસ્ત વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરી શકાય. આ કાયદા હેઠળ સેનાને સંદિગ્ધ લોકોની ધરપકડ કરવા, તપાસ કરવા તેમજ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની સત્તા મળે છે. કોઈપણ કોર્ટના આદેશ વિના તેઓ આ કાર્યવાહી કરી શકે છે. આ કાયદો વિવાદાસ્પદ પણ છે, કારણકે, સુરક્ષા દળોને વધુ સત્તા મળે છે. જેથી અમુક કિસ્સામાં માનવાધિકારનું ઉલ્લંઘન થતું હોવાની શક્યતા રહે છે.