સાત દિવસના યુદ્ધવિરામ બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. ગાઝામાં ઈઝરાયેલ સેનાના બોમ્બમારાથી અત્યાર સુધીમાં 178થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. બંને પક્ષો ફરીથી યુદ્ધ શરૂ કરવા માટે એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે 24 કલાકથી ઓછા સમયમાં 178 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને 589 ઘાયલ થયા છે.
24 નવેમ્બરથી ચાર દિવસ માટે યુદ્ધવિરામ
ઈઝરાયેલે શુક્રવારે ગાઝા પર ઝડપી હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયેલી સેનાએ દક્ષિણ ગાઝાના કેટલાક વિસ્તારોને ખાલી કરવાની ચેતવણી આપી છે. આ માટે તેણે આકાશમાંથી જ પોસ્ટર ફેક્યા હતા. વાસ્તવમાં ઈઝરાયલે પહેલા જ કહ્યું હતું કે યુદ્ધવિરામ પછી પણ યુદ્ધ ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 24 નવેમ્બરથી ચાર દિવસ માટે યુદ્ધવિરામ હતો. બાદમાં તેને વધુ ત્રણ દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો.
હમાસે 16 બંધકોને મુક્ત કર્યા હતા
આ સમય દરમિયાન હમાસે ઈઝરાયેલના બંધકોને પણ મુક્ત કર્યા અને ઈઝરાયેલે પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કર્યા. આ યુદ્ધવિરામ દરમિયાન હમાસે 70થી વધુ બંધકોને મુક્ત કર્યા હતા. જેમાં મહિલાઓ, બાળકો અને વિદેશી નાગરિકો પણ સામેલ છે. બીજી તરફ બંધકોની મુક્તિના બદલામાં ઈઝરાયેલે પણ 160થી વધુ કેદીઓને મુક્ત કર્યા હતા. બુધવારે, યુદ્ધવિરામના છેલ્લા દિવસે, હમાસે 16 બંધકોને મુક્ત કર્યા હતા.
ઈઝરાયેલ પર 5000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયું હતું. આ દિવસે, વહેલી સવારે, હમાલના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલ પર 5000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા. આ દરમિયાન હમાસે લગભગ 240 લોકોને બંધક પણ બનાવ્યા હતા. આ હુમલામાં 1400 લોકો માર્યા ગયા હતા. તેના જવાબમાં ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો, જેમાં 15,000થી વધુ લોકો માર્યા ગયા છે અને આ આકડો હજી વધી જ રહ્યો છે.