ઉત્તર પ્રદેશમાં માફિયાઓ અને ગેંગસ્ટર્સને ખતમ કરવા માટે યોગી આદિત્યનાથ સરકારે ફરી દંડો ચલાવ્યો છે. યોગી સરકારે છેલ્લાં સાત વર્ષમાં મોટા ભાગના ગેંગસ્ટર્સને કાં ઉપર પહોંચાડી દીધા છે કાં જેલભેગા કરી દીધા છે. જે નસીબના બળિયા હતા એ ભાગી જવામાં સફળ થયા છે. જેલભેગા થયેલા ને ભાગવામાં સફળ થયેલા ગેંગસ્ટર્સ પૈકી ઘણા હજુ ઉત્તર પ્રદેશની બહાર રહીને કે પછી જેલમાં બેઠાં બેઠાં ગેંગ્સ ચલાવે છે અને અપરાધ કર્યા કરે છે.
આ માફિયા-ગેંગસ્ટર્સને જેલની બહાર રહેલા લોકો મદદ કરે છે તેથી યોગી સરકારે આ મદદગારોને ટાર્ગેટ કરીને તેમને ગેંગસ્ટર્સ એક્ટ અને ગુંડા એક્ટ હેઠળ જેલમાં ધકેલવાનું અભિયાન શરૂ કર્યું છે. યોગી સરકારે તો તમામ જિલ્લાની પોલીસને સક્રિય માફિયાઓ અને ગેંગસ્ટર્સ વિશે માહિતી આપવા કહ્યું જ છે તેથી આજે નહીં તો કાલે બધા માફિયા મદદગારોનો વારો આવશે જ પણ પહેલા તબક્કામાં યોગી સરકારે યુપીમાં અપરાધો કરતી પાંચ ગેંગના મદદગારોને સકંજામાં લેવાનું એલાન કરીને ૭૩ માફિયા મદદગારો સામે ગુંડા એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.
યોગી સરકારે બદનસિંહ બદ્દો, ઉધમસિંહ, યાકુબ કુરેશી, શારિક અને યોગેશ ભદૌડા ગેંગના મદદગાર એવા ૭૩ લોકોની યાદી બહાર પાડી છે. આ પાંચેય ગેંગ યુપીમાં સૌથી મોટી ગણાય છે. તેમનો ચોક્કસ વિસ્તારમાં પ્રભાવ વધારે છે પણ તેમની ગુનાખોરીનો વ્યાપ આખા યુપીમાં જ નહીં પણ ઉત્તર ભારતમાં ફેલાયેલો છે તેથી સૌથી પહેલાં તેમની કમર તોડવાનું યોગી સરકારે નક્કી કર્યું છે.
આ ગેંગ્સમાં બદનસિંહ બદ્દો યુપીનો સૌથી મોટો ગેંગસ્ટર છે અને અત્યારે ફરાર છે જ્યારે બાકીના માફિયાઓ જેલમાં બંધ છે. બદ્દો તેના દીકરા સિકંદર સાથે યુરોપના કોઈ દેશમાં હોવાની શક્યતા છે. બદ્દો ભારતમાં નહીં હોવા છતાં તેનું સામ્રાજ્ય સાવ ધરાશાયી નથી થયું. મેરઠના બેતાજ બાદશાહ ગણાતા બદનસિંહના સામ્રાજ્યને ડિપિન સૂરી, પપિત બઢલા, ચીકુ બઢલા, રાહુલ ઉર્ફે તન્ના અને સુશીલ મૂંછ મદદ કરી રહ્યા છે તેથી તેમના પર તવાઈ આવી છે. મૂળ પંજાબી બદનસિંહે ટ્રક ડ્રાઈવર તરીકે શરૂઆત કરેલી ને પછી મેરઠ સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પોતાનું ગુનાખોરીનું સામ્રાજ્ય જમાવી દીધું.
યાકુબ કુરેશી મીટ માફિયા તરીકે જાણીતો છે કે જે માંસના ગેરકાયદેસરના ધંધાનો બેતાજ બાદશાહ છે. યાકુબનો આખો પરિવાર આ ધંધામાં સામેલ છે તેથી આખા પરિવાર પર તવાઈ છે. યાકુબના બંને દીકરાને પણ જેલભેગા કરાયેલા પણ બંને ગમે તે રીતે જામીન મેળવીને બહાર આવી ગયા તેથી તેમને ફરીથી સાણસામાં લેવા માટે ગુંડા એક્ટ લગાવાયો છે.
ઉધમસિંહ પણ મેરઠનો મોટો ડોન છે. ઉધમસિંહ વિશે એવું કહેવાય છે કે, આઈપીસીની કોઈ કલમ એવી નહીં હોય કે જેના હેઠળ ઉધમસિંહ સામે કેસ ના નોંધાયેલો હોય. ઉધમસિંહની ગેંગ પશ્ચિમ ઉત્તમ્ર્રદેશમાં દરેક સરકારી કર્મચારી પાસેથી ખંડણી લે છે એવું કહેવાય છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં એક સમયે સુંદર ભાટી ગેંગનો આતંક હતો પણ ભાટીએ હવે પૂર્વાંચલનો પોતાનો બેઝ બનાવતાં ઉધમસિંહની ગેંગનું એકચક્રી શાસન છે. અપહરણ, લૂંટ, ધાડ, કોન્ટ્રાક્ટ કિલિંગ સહિતના અપરાધોમાં ઉધમસિંહ ગેંગ સંકળાયેલી છે. ઉધમસિંહની પત્ની ગીતાંજલિ પણ ખતરનાક મનાય છે ને ઉધમસિંહની ગેરહાજરીમાં એ જ નિર્ણયો લે છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશનો બીજો ખૂંખાર ગેંગસ્ટર યોગેશ ભદૌડા છે. યોગેશ ભદૌડા પણ જેલમા બંધ છે પણ તેની પત્ની સુમન અને બીજા સાથીઓની મદદથી ગેંગ ચલાવે છે. ભદૌડા ગામમાં પાડોશી સાથેના ઝગડામાં યોગેશના ભાઈ અને માતાની હત્યા થઈ તેના કારણે યોગેશ ગુનાખોરીની દુનિયામાં આવ્યો. બદલો લેવા તેણે ગુનાખોરી શરૂ કરી અને ધીરે ધીરે મોટો ગેંગસ્ટર બની ગયો. શારિકની ગેંગમાં તેના ચાર ભાઈ મુખ્ય છે. શારિક ઉપરાંત રાજુ, રાશિદ, તારીક અને ફાઈક એ પાંચ ભાઈઓ સિવાય બિલાલ, કાસિફ વગેરે કુખ્યાત અપરાધીઓ આ ગેંગમાં છે. માત્ર પાંચ ધોરણ ભણેલો શારિક તો સીતાપુરની જેલમાં બંધ છે પણ તેના ભાઈઓ બહાર રહીને ગેંગ ચલાવે છે. મોહમ્મદ શારિક કોન્ટ્રાક્ટ કિલર તરીકે કુખ્યાત છે.
ઉત્તર પ્રદેશ પોલીસે કુલ ૬૫ મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની યાદી બનાવી છે. આ મોસ્ટ વોન્ટેડને એક પછી એક સાફ કરાઈ રહ્યા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ યુપીમાં ગુનાખોરીનો અડ્ડો છે. તેમાં પણ મેરઠ તો ક્રાઈમ કેપિટલ છે અને ત્રીજા ભાગના મોટા ગેંગસ્ટર્સ તો મેરઠમાં જ છે તેથી યોગી સરકારે પહેલાં ક્રાઈમ કેપિટલ પર જ આક્રમણ કર્યું છે.
યોદી આદિત્યનાથે માફિયાઓના એન્કાઉન્ટર કરવાની વ્યૂહરચના અમલમા મૂકી તેના કારણે ઘણી શાંતિ થઈ ગઈ છે પણ ગુનાખોરી સાવ કાબૂમાં આવી નથી. હવે માફિયા મદદગારો પર હલ્લાબોલ કરવાની વ્યૂહરચનાથી ગેંગ્સની કેડો તૂટવા માંડશે ને લાંબા ગેંગ્સ સાફ થઈ જશે એવી આશા અત્યારે તો રખાય છે.
હેન્ડસમ ડોન’ બદનસિંહ બદ્દો ફિલ્મી સ્ટાઈલમાં ફરાર થઈ ગયો હતો
પશ્ચિમ ઉત્તર પ્રદેશના સૌથી ખૂંખાર ગેંગસ્ટર્સમાંથી એક બદનસિંહ બદ્દો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે પોલીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં વ્યસ્ત હતા તેનો લાભ લઈને ફરાર થઈ ગયેલો. બદનસિંહ સામે ખૂન, ખૂનનો પ્રયાસ, અપહરણ, ખંડણીખોરી વગેરેના ૪૦ જેટલા ગુના છે. લેવિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતો બદ્દો મેરઠનો બેતાજ બાદશાહ કહેવાતો. બદ્દોને ૧૯૯૬માં વકીલ રવિન્દ્રપાલ સિંહની હત્યા બદલ ૨૦૧૭માં આજીવન કેદની સજા થઈ પછી ફર્રુખાબાદ સેન્ટ્રલ જેલમાં બંધ હતો.
બદનસિંહને કારની નકલી આર.સી. બનાવવાના કેસમાં ૨૮ માર્ચ, ૨૦૧૯ના દિવસે ગાઝિયાબાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. બદ્દોને પાછો જેલમાં લઈ જવાનો હતો પણ તેણે પોલીસને લાંચ આપીને પોતાના પરિવારને મળવા દેવાની ગોઠવણ કરી. મેરઠની હોટલમાં તેનો દીકરો સિકંદર આવ્યો પછી બદ્દોની વિનંતીથી પોલીસે બંનેને એકલા છોડયા. બદ્દોએ હોટલમાં જ પોલીસો માટે ખાવા-પીવાની અને કોલ ગર્લ્સની વ્યવસ્થા કરેલી તેથી પોલીસો અય્યાશીમાં ડૂબેલા હતા તેનો લાભ લઈને બદ્દો અદિતી નામની મિત્રના બ્યુટી પાર્લરમાં પહોંચ્યો. મેક-અપ કરીને ચહેરો બદલ્યો અને પોતાના ખાસ મિત્ર ભાનુપ્રતાપ સિંહને ફોન કરીને પોતે આવે છે તેથી રૂપિયાની વ્યવસ્થા કરવા કહ્યું.
બદ્દો ભાનુના ઘરે પહોંચ્યો ત્યારે બીજા મિત્રો પણ લાખો રૂપિયા લઈને આવી પહોંચેલા. આ રૂપિયા બેગમાં ભરીને બદ્દો અને ભાનુ મેરઠથી હાપુડ થઈને દિલ્હી પહોંચ્યા. બદ્દો લાજપતનગર મેટ્રો સ્ટેશન પાસે રૂપિયા ભરેલી બેગ લઈને ઉતર્યો પછી એવો ગાયબ થયો કે હજુ પકડાયો નથી.
પોલીસે બદ્દોના ફોન ટ્રેક કરતાં તે છેલ્લે પેરિસમાં હોવાની ખબર પડેલી. આ સિવાય નેધરલેન્ડ્સ, માલ્ટા, યુકે વગેરે દેશોમાં પણ તેનાં લોકેશન્સ જોવા મળ્યાં છે.
માયાવતી સરકારમાં મંત્રી યાકુબની ગેંગ પર પણ તવાઈ
યોગી સરકારે જે ગેંગ્સ પર દંડો ચલાવ્યો છે તેમાં ભૂતપૂર્વ મંત્રી યાકુબ કુરેશીની ગેંગ પણ છે. મીટ માફિયા તરીકે જાણીતો કુરેશી ૨૦૦૭થી ૨૦૧૨ દરમિયાન માયાવતી સરકારમાં મંત્રી હતો. કુરેશી ૧૯૮૦ના દાયકામાં મેરઠમાં લીંબુ વેચતો ને તેમાંથી ધીરે ધીરે મોટો ગેંગસ્ટર બની ગયો.
કુરેશીએ રાજકીય કારકિર્દીની શરૂઆત યુનાઈટેડ ડેમોક્રેેટિક ફ્રંટ (યુડીએફ) નામની પાર્ટી બનાવીને કરેલી. માયાવતીની નજર તેના પર પડતાં તેને બસપામાં લઈ લીધો પછી ૨૦૦૨માં કુરેશી પહેલી વાર ધારાસભ્ય બન્યો ને ૨૦૦૭માં મંત્રી બન્યો. માયાવતીએ ૨૦૧૨મા ટિકિટ ના આપતાં લોકદળમા જતો રહેલો. પછી સમાજવાદી પાર્ટીમાં ગયો ને પછી પાછો બસપામાં આવી ગયેલો. પયગંબર સાહેબના કાર્ટૂનનો વિવાદ ચગ્યો ત્યારે કુરેશીએ ડેન્માર્કના કાર્ટૂનિસ્ટનું ડોકું ધડથી અલગ કરવા માટે ૫૧ કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરેલું. કુરેશીનો પોતાનો મીટનો મોટો બિઝનેસ છે. અલ ફહીમ મીટેક્સ પ્રાઈવેટ લિમિટેડ નામની તેમની કંપનીમાં ચોરી કરીને લવાયેલાં પશુઓની કત્લ કરાય છે. કુરેશી અત્યારે સોનભદ્ર જેલમાં બંધ છે પણ તેની ગેંગ સક્રિય છે.
કુરેશીના બે દીકરા ઈમરાન અને ફિરોઝ, પત્ની સંજીદા ગેંગ ચલાવે છે. મોહિત ત્યાગી નામનો ગુંડો કુરેશીનો ખાસ માણસ ગણાય છે કે જે કુરેશીના ઈશારે ગેરકાયદેસર કામો કરે છે.