22 જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા માટે લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ અને ભાજપ સહિત ઘણા સંગઠનો અયોધ્યામાં શ્રાદ્ધાળુઓની મદદ કરવામાં અને તેમના માટે વ્યવસ્થા કરવાના કામમાં લાગેલાં છે. વિવિધ સંગઠનો અને રાજ્યો પોતાના આરાધ્ય દેવને અનાજ, ઘી, ખાંડ તો કોઇ શાકભાજી અર્પણ કરી રહ્યા છે. જો કે સૌથી ખાસ ભેટ ભગવાન શ્રીરામના મોસાળ છત્તીસગઢમાંથી આવી રહી છે. રામલલાની નાનીનું ઘર ગણાતા છત્તીસગઢ તરફથી 3000 ટન સુગંધિત ચોખા મોકલવામાં આવ્યા છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાથે પૂજાઅર્ચના બાદ ચોખાને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને મોકલી આપ્યા છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ આ ચોખાનો જ ભોગ લગાવવામાં આવશે અને ભક્તજનોને આ પ્રસાદ અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ભગવાન રામના સસુરાલ જનકપુરથી પણ ઘણી સામગ્રી રામમંદિરને Powered b, Unimals, માં આવી છે તથા અન્ય સામગ્રી લઇને અન્ય એક દળ પાંચ જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે.
એકતરફ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ જોરશોરથી થઇ રહી છે ત્યારે ભગવાન શ્રીરામનું મોસાળ ગણાતા છત્તીસગઢમાં પણ લોકોનો ઉત્સાહ નજર આવી રહ્યો છે. ભાજપ સરકારે 22 જાન્યુઆરીના દિવસે રાજ્યમાં ડ્રાય-ડેની જાહેરાત કરી દીધી છે અને રાજ્યના લોકોને સાંજે દીપાવલી મનાવવાનો આગ્રહ કર્યો છે. નોંધનીય છે કે રામાયણ અનુસાર ભગવાન રામે પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન 10 વર્ષ છત્તીસગઢમાં પસાર કર્યા હતાં.
કિન્નરો વિગ્રહ પ્રતિષ્ઠાનું શુકન લઇને આવશે
અયોધ્યામાં રામના ઉત્સવમાં કિન્નરો પણ પોતાનું યોગદાન આપશે. અહીં તૈયાર થઇ રહેલાં દિવ્ય શ્રીરામમંદિરમાં શ્રીરામલલાના વિગ્રહ પ્રતિષ્ઠાનું શુભ શુકન લઇને કિન્નરો પણ આવશે. કિન્નરો ઘર ઘર ફરીને મંગળગાન ગાશે. તે પછી રામના આમંત્રણ રૂપે હળદર અને ચોખાનું વિતરણ કરશે. આ દરમિયાન માતાઓ, બહેનો, બાળકો અને પુરુષોને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગીદાર બનવા અનુરોધ પણ કરશે ભવ્ય મંદિરના નિર્માણને લઇને કિન્નરોમાં પણ ઉલ્લાસનો માહોલ છે.
છત્તીસગઢના ખેડૂતો 100 ટન શાકભાજી મોકલશે
તાજેતરમાં છત્તીસગઢના પ્રગતિશીલ કિસાન સંઘનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીને મળવા ગયું હતું અને આ દરમિયાન તેમણે રાજ્યના ખેડૂતો દ્વારા 100 ટન શાકભાજીને અયોધ્યા મોકલવાની દરખાસ્ત કરી હતી. શનિવારે મુખ્યમંત્રીએ 300 ટન ચોખા ભરેલી 11 ટ્રકને રવાના કરી હતી. આ ચોખાનો ઉપયોગ કરીને બનાવેલા પ્રસાદને રામલલાના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ ભોગ ધરવામાં આવશે.