જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કલમ 370 હટાવવાનો નિર્ણય સંપૂર્ણ રીતે યોગ્ય હતો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો પણ આદેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને લઈને 6 ડિસેમ્બરના રોજ સરકારે સંસદમાં જવાબ આપ્યો હતો કે, કલમ 370 હટાવવામાં આવ્યા બાદ અર્થવ્યવસ્થા બમણી થઈ છે.
ચાર વર્ષમાં અર્થવ્યવસ્થા બમણી થઈ
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયાના 4 વર્ષ બાદ GSDPમાં વધારો થયો છે. ઓફિશિયલ માહિતી મૂજબ જમ્મુ અને કાશ્મીરનો GSDP બમણો થઈને 2.25 લાખ કરોડ રૂપિયાથી વધારે થયો હતો. જે ઓગસ્ટ વર્ષ 2019 માં કલમ 370 નાબૂદ થયા પહેલા 1 લાખ કરોડ રૂપિયા હતો. GSDP એ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની વૃદ્ધિ અને સામાજિક-આર્થિક વિકાસને માપવા માટે એક મહત્વપૂર્ણ સૂચકાંક છે.
અમિત શાહે આપ્યું હતું નિવેદન
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 6 ડિસેમ્બરે સંસદમાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 પરની ચર્ચાના જવાબમાં કહ્યું હતું કે, કલમ 370 હટાવ્યા પહેલા GSDP 1 લાખ રૂપિયા હતો, જે 4 વર્ષમાં બમણો થઈને 2,27,927 કરોડ રૂપિયા થયો છે. આગળ જણાવ્યું કે, કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદમાં ઘટાડો થયો છે અને અને વિકાસ થઈ રહ્યો છે.
After the abrogation of #Article370, the rights of the poor and deprived have been restored, and separatism and stone pelting are now things of the past. The entire region now echoes with melodious music and cultural tourism. The bonds of unity have strengthened, and integrity…
— Amit Shah (@AmitShah) December 11, 2023
જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે ઝડપથી વધી
કેન્દ્રશાસિત પ્રદેશના આર્થિક સર્વેક્ષણ 2022-23 મુજબ જમ્મુ અને કાશ્મીરનો GSDP આવનારા 5 વર્ષમાં ઉદ્યોગ, કૃષિ, બાગાયત, પ્રવાસન અને સેવા ક્ષેત્રો પર ભાર મૂકવાની સાથે બમણો થવાની શક્યાતા છે. ચાલુ વર્ષની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે ઝડપથી વધી છે. વિશ્વ કક્ષાના રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસવે, ટનલ, પુલ, ફ્લાયઓવર, રીંગ રોડ બનાવવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીર એક કૃષિપ્રધાન અર્થતંત્ર છે. વસ્તીના અડધાથી વધારે લોકો કૃષિ સાથે સંકળાયેલા છે. સરકાર ડો. મંગલા રાય સમિતિની ભલામણોના આધારે જુદા-જુદા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રોકાણ કરીને આ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાના શક્ય પ્રયાસો કરી રહી છે. જેથી કરીને GSDP માં કૃષિ ક્ષેત્રનું યોગદાન બમણું થશે અને સાથે જ ખેડૂતોની આવક પણ બમણી થઈ રહી છે.