એર ઈન્ડિયાના ઈન્ટરનેશનલ રૂટ ન્યૂયોર્ક, લંડન, પેરિસ અને સિંગાપોર પર ફ્રી વાઈ-ફાઈ પહેલેથી જ આપવામાં આવી રહ્યું છે. હવે તેને ડોમેસ્ટિક રૂટ પર શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે.
નવા વર્ષ નિમિત્તે એર ઈન્ડિયાએ તેના મુસાફરોને મોટી ભેટ આપી છે. એર ઈન્ડિયા ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર ફ્રી વાઈ-ફાઈ ઈન્ટરનેટ શરૂ કરનાર પ્રથમ ભારતીય એરલાઈન બની છે. એર ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે એરબસ A350, બોઈંગ 787-9 અને એરબસ A321 નિયો વિમાનોમાં સવાર મુસાફરો 10,000 ફૂટથી ઉપર ઉડાન ભરવા સમયે ઇંટરનેટનો ઉપયોગ કરી બ્રાઉઝ કરી શકશે, સોશિયલ મીડિયા જોઈ શકશે, કામ કરી શકશે અથવા તેમના પ્રિયજનોને મેસેજ પણ કરી શકશે.
ડોમેસ્ટિક ફ્લાઈટમાં ફ્રી વાઈ-ફાઈ સુવિધા મળશે
આ સેવા એર ઈન્ડિયાના ન્યૂયોર્ક, લંડન, પેરિસ અને સિંગાપોરના ઈન્ટરનેશનલ રૂટ પર પહેલાથી જ આપવામાં આવી રહી છે. હવે તેને પાયરલટ પ્રોજેક્ટ પ્રોગ્રામ હેઠળ સ્થાનિક રૂટ પર શરૂ કરવામાં આવી છે. એર ઈન્ડિયા સમયની સાથે તેના કાફલાના અન્ય એરક્રાફ્ટ પર આ સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે વાઇ-ફાઇ સર્વિસ લેપટોપ, ટેબલેટ અને આઈઓએસ અથવા એન્ડ્રોઈડ ઓએસવાળા સ્માર્ટફોન પર ફ્રીમાં ઉપલબ્ધ થશે.
એર ઈન્ડિયાના ચીફ કસ્ટમર એક્સપીરિયંસ ઓફિસર રાજેશ ડોગરાએ જણાવ્યું હતું કે કનેક્ટિવિટી હવે આધુનિક મુસાફરીનો અભિન્ન ભાગ બની ગઈ છે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમારા મુસાફરો વેબ સાથે કનેક્ટ થવાની સગવડની કદર કરશે અને એરક્રાફ્ટમાં બેસીને એર ઈન્ડિયાના નવા અનુભવનો આનંદ માણશે.
કેવી રીતે વાઈ-ફાઈનો લાભ મળશે
તમારા ઉપકરણ પર Wi-Fi સક્ષમ કરો અને Wi-Fi સેટિંગ્સ પર જાઓ. Air India Wi-Fi નેટવર્ક પર ક્લિક કરો. એકવાર તમે તમારા બ્રાઉઝરમાં એર ઈન્ડિયા પોર્ટલ પર પહોંચી ગયા પછી તમારું PNR અને છેલ્લું નામ દાખલ કરો અને મફત ઇન્ટરનેટનો આનંદ લો.