હાલમાં વિપક્ષી દળ 2024ની ચૂંટણી જીતવા માટે ઓબીસી કાર્ડની રમત રમી રહ્યું છે. ત્યારે હવે ભાજપે પણ તેની સામે રસ્તો શોધી કાઢ્યો છે. જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને કોંગ્રેસ જે રીતે માહોલ ઉભો કરી રહ્યું છે, તેને કાઉન્ટર કરવા માટે ભાજપે એક ખાસ પ્રકારની રણનીતિ તૈયાર કરી છે. ભાજપે PM વિશ્વકર્મા યોજના દ્વારા સમાજના પછાત વર્ગને પોતાની તરફ આકર્ષવા માટે સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની આગેવાનીમાં એક બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં અમિત શાહે 2024ની ચૂંટણી જીતવા માટે 24 પસંદગીના નેતાઓની એક ટીમ બનાવી છે, આ ટીમમાં દરેક સભ્યને 1 અથવા 2 રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે.
આ નેતાઓ PM વિશ્વકર્મા યોજનાથી સમાજને થતાં લાભ અને ભવિષ્યના લાભાર્થી વર્ગ સુધી કેવી રીતે પહોંચશે તે જણાવશે. સુત્રો મુજબ ગૃહપ્રધાન અમિત શાહની આ બેઠક 3 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં હાજર રહેલા નેતાઓને PM વિશ્વકર્મા યોજનાના લાભને દરેક લોકો સુધી પહોંચાડવા અને લોકોને માહિતગાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. અમિત શાહની સાથે સ્ટેજ પર ભાજપના 5 રાષ્ટ્રીય મહામંત્રી સિવાય ઓબીસી મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. કે લક્ષ્મણ પણ હાજર રહ્યા, બેઠકમાં ઉત્તરપ્રદેશના બીએલ વર્મા, શ્રીકાંત શર્મા અને સંગમલાલ ગુપ્તા જેવા નેતા હાજર રહ્યા. સાથે જ વિપલ્પ દેવ, લોકેટ ચેટર્જી જેવા નેતા પણ વિશેષ ટીમનો ભાગ બનીને બેઠકમાં સામેલ રહ્યા.