ઉત્તરાખંડમાં સતત વધતી જમીનની માંગ વચ્ચે પુષ્કર ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે અને નવા જમીન કાયદાને મંજૂરી આપી દીધી છે. સંશોધિત ડ્રાફ્ટને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાજ્યના બહારના લોકો દેવભૂમિમાં ખેતી અને બાગાયત માટે જમીન નહીં ખરીદી શકે. ગત દાયકામાં આ રાજ્યમાં ખેતીની જમીનનો ઉપયોગ ખેતી સિવાયના અન્ય કામ માટે કરવામાં આવી રહ્યો હતો, ત્યારબાદ આ પ્રકારના કાયદાની માંગ ઊભી થઈ હતી.
નવા કાયદાથી શું ફેરફાર થશે?
- વર્ષ 2018માં રાવત સરકારના બનાવવામાં આવેલાં જમીન કાયદાને રદ્દ કરવામાં આવ્યો.
- રાજ્યના 11 જિલ્લામાં બહારના લોકો ખેતી અને બગાયત માટે જમીન નહીં લઈ શકે, તેમાં હરિદ્વાર અને ઉદમ સિંહ નગરનો સમાવેશ કરાયો નથી.
- પર્વતીય વિસ્તારોમાં જમીન પર નવા સ્તરે વાત થશે.
- જિલ્લા મજિસ્ટ્રેટ જમીન ખરીદવા પર મહોર નહીં લગાવી શકે.
- જમીનના ખરીદ-વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવશે જેથી ડેટા વ્યવસ્થિત રહે.
- પોર્ટલથી એ વિશે પણ જાણ થશે કે, ક્યાંય કોઈ ગડબડ તો નથી થઈ રહી.
- બહારના લોકોએ જમીન ખરીદવા માટે એફિડેવિટ આપવું પડશે અને હેતું જણાવવો પડશે.
- જો કોઈ જમીનનો નિયમ તોડીને ખરીદ-વેચાણ કરવામાં આવશે તો સરકાર તેનો કબ્જો લઈ શકે છે.
ખેતીની જમીનમાં થયો ઘટાડો
પર્વતીય વિસ્તાર હોવાના કારણે અહીં ખેતી એટલી સરળ નથી. અમુક જ એવા વિસ્તાર છે, જ્યાં પાક ઉગાડી શકય છે, તે પણ સીઢીદાર ટેક્નિક દ્વારા. એવામાં ફળદ્રુપ જમીન પર હોટેલ બનવાથી રાજ્ય પાસે પાકની કમી થવા લાગી છે. રાજ્ય બન્યું ત્યારે અહીં લગભગ 7.70 લાખ હેક્ટર જમીન ખેતી લાયક હતી અને બે દાયકામાં આ ઘટીને 5.68 લાખ હેક્ટર રહી ગઈ છે. અનેક ગોટાળા પણ થયાં છે. જેમ કે, ટિહરીમાં ખેડૂતોને મળતી જમીન પર લેન્ડ માફિયાએ ગેરકાયદે રૂપે હોટેલ અને રિઝોર્ટ બનાવી દીધા છે. જંગલોમાં પણ આ ધંધો શરૂ થઈ ગયો છે.
અલગ રાજ્ય બન્યા બાદ સ્થાનિક લોકોનો વિરોધ જમીન પર દેખાવા લાગ્યો હતો. બહારના રોકાણકારો ઓછી કિંમતે અથવા ગોટાળો કરીને સ્થાનિક લોકોની જમીન હડપી લેતાં. ખેતીલાયક જમીન પર કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ થઈ ગયાં. સ્થાનિક લોકો પાસે ખેતીવાડી તો છીનવાઈ ગઈ ઉપરથી બહારથી સસ્તા મજૂર વર્ગ માટે પોતાના લોકોને લાવીને કામ આપવા લાગ્યાં. જેનાથી સ્થાનિકોમાં રોષ ભભુક્યો હતો.
વસ્તીમાં થયો ચોંકાવનારો વધારો
ઉત્તરાખંડના લોકોની આશંકા છે કે, આ જ સ્થિતિ રહી તો તેમના જ રાજ્યમાં તેમની સંખ્યા ઘટી જશે. હકીકતમાં અહીં છેલ્લાં થોડા વર્ષોમાં જ બહારના રાજ્યોમાંથી આવતી વસ્તીમાં ચોંકાવનારો વધારો થયો છે.
તમામ પર્વતીય રાજ્યોમાં છે આ કાયદો
ઉત્તરાખંડ એકલોતું એવું રાજ્ય નથી, જ્યાં ખેતી અને બાગાયતની જમીન પર કડક કાયદા બની રહ્યાં છે. મોટાભાગના પર્વતીય રાજ્યોમાં આ નિયમ પહેલાંથી છે. જેમ કે, હિમાચલ પ્રદેશમાં ફક્ત સ્થાનિક અને કાયમી નિવાસી જ ખેતીની જમીન ખરીદી શકે છે. બહારના લોકોને તેના માટે ખાસ મંજૂરી લેવાની હોય છે, જે ખૂબ જ અઘરૂ છે. આ જ પ્રકારે સિક્કિમ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશ પણ એવા રાજ્ય છે જ્યાં બહારના રાજ્ય જમીન નથી ખરીદી શકતાં. જેથી, ત્યાંના મૂળ નિવાસીઓના હક સુરક્ષિત રહી શકે અને કોઈ કુદરતી સ્ત્રોત પર કબ્જો ન જમાવે.