પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો પર સંપૂર્ણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી. તણાવ વચ્ચે ભારતે પોતાના એરસ્પેસમાં પાકિસ્તાનની તમામ ફ્લાઇટો પર પ્રતિબંધ લાદી દીધો હતો. ત્યારે હવે ભારતે ફરી પાકિસ્તાનને ઝટકો આપી આ પ્રતિબંધ વધુ એક મહિનો લંબાવી દીધો છે. આ માટે ભારતે નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ (NOTAM) પણ જારી કર્યું છે.
પાકિસ્તાની ફ્લાઇટોના પ્રવેશ પર વધુ એક મહિનો પ્રતિબંધ
નોટમ મુજબ, કેન્દ્ર સરકારે અગાઉ પાકિસ્તાનની તમામ ફ્લાઇટોને ભારતની એરસ્પેસમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો, તેને વધુ એક મહિનો લંબાવી 23 જૂન-2025 સુધી કરી નાખ્યો છે. બીજી તરફ ભારતની કાર્યવાહીથી ફરી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. તેણે પણ ભારતની તમામ ફ્લાઇટો માટે પોતાની એરસ્પેસનો પ્રતિબંધ એક મહિનો 24 જૂન સુધી વધારી દીધો છે.
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવી
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 26 લોકોની હત્યા કરી હતી, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ થયો હતો, જેમાં ભારતીય સેનાઓ ઓપરેશન સિંદૂર પાર પાડી, પાકિસ્તાન અધિકૃત પંજાબમાં આતંકવાદીઓના 9 ઠેકાણાને નષ્ટ કરી દીધા હતા. આ ઉપરાંત પાકિસ્તાનના અનેક સૈન્ય એરબેઝને પણ નિશાન બનાવ્યા હતા. બંને દેશ વચ્ચે લગભગ એક સપ્તાહ સુધી ચાલેલા વિવાદ બાદ પાકિસ્તાને ભારતને સિઝફાયર કરવાની વિનંતી કરવી પડી હતી.