યુરોપિયન દેશ નેધરલેન્ડની ચૂંટણીઓમાં ચોંકાવનારા પરિણામો આવી શકે છે. કટ્ટર જમણેરી નેતા અને ઈસ્લામ વિરોધી મનાતા ગીર્ટ વિલ્ડર્સ દેશના આગામી પીએમ બની શકે છે.
કારણકે એક્ઝિટ પોલમાં તેમની પાર્ટીને સૌથી વધારે સીટો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમની ફ્રિડમ પાર્ટી સંસદની 150 પૈકી 35 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની શકે છે. ગત ચૂંટણીમાં ફ્રિડમ પાર્ટીને તેના કરતા અડધી બેઠકો મળી હતી. સાથે સાથે ફ્રેન્સ ટિમ્મરમન્સ નામના નેતાના નેતૃત્વ હેઠળના લેબર તેમજ ગ્રીન પાર્ટીના ગઠબંધનને 25 બેઠકો મળી શકે છે.
એક્ઝિટ પોલ જાહેર કરનાર સંસ્થાના રિપોર્ટમાં કહેવાયુ છે કે, ગીર્ટ વિલ્ડર્સ જો ચૂંટણી જીત્યા તો દેશની રાજનીતિમાં ધરખમ ફેરફારો આવી શકે છે. તેઓ પીએમ પદના મોટા દાવેદાર બનશે. જોકે તેઓ પોતાના દમ પર સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. તેમને બીજી પાર્ટીઓના સમર્થનની જરૂર પડશે. ગીર્ટની વિવાદાસ્પદ ઈમેજ જોતા બીજી પાર્ટીઓ તેમની સાથે જોડાણ કરવાનુ પસંદ કરશે કે કેમ તે બાબત પર પણ શંકા છે.
આમ ગીર્ટ વિલ્ડર્સ સામે સૌથી મોટી પાર્ટી બન્યા પછી પણ સત્તા મેળવવા સામેના પડકારો તો ઉભા જ છે. જોકે આ પરિણામ યુરોપની રાજનીતિ પર પણ અસર કરી શકે છે. હાલમાં વિરોધ પક્ષના નેતા ગીર્ટ સતત ઈસ્લામ વિરોધી નિવેદનો આપી રહ્યા છે. તેમની પાર્ટીના ચૂંટણી પ્રચારમાં પણ આ બાબતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. ગીર્ટની પાર્ટીએ ચૂંટણી પ્રચારમાં કરેલા વાયદામાં સાર્વજનિક સ્થળો પર હિજાબ પહેરવા પર પ્રતિબંધ, મસ્જિદો પર પ્રતિબંધ જેવા સૂચનો પણ સામેલ છે.