અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે , એ ભારતવર્ષના પાંચસો વર્ષની તપોમયી ધૈર્યભરી પ્રતીક્ષાનું ફળ છે. મને વ્યક્તિગત આત્મગૌરવનો અનુભવ થાય છે. હું આજે સ્વામિનારાયણ સંપ્રદાયના ૨૧ સંતોની પ્રથમ ટુકડી સાથે અયોધ્યા પહોંચ્યો છું. વિશ્વમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર વડતાલના મહંતના નાતે મને પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રેમભર્યુ આમઁત્રણ મળ્યુ. મારૂ મન સરયુની જેમ આનંદથી છલકાઈ રહ્યુ છે. અંહિ ઉપસ્થિત સંતો મહંતો મહામંડલેશ્વરોને જોયા. એમના ચરણોમાં વંદન કર્યા. કેટલા સજ્જનોને આવાસ પ્રવાસ માટે તડપતા જોયા તો વિચાર પણ આવ્યો કે, હું તો વડતાલ મંદિરના પ્રતાપે અંહિ આવ્યો છું પરંતુ આ બધાના શું પુણ્ય હશે ! ઉંડા વિચારના અંતે કોઈ કોઈ વિભૂતિઓનું યોગદાન યાદ આવ્યું પણ એ ૧૪૦ કરોડની આબાદીના દેશમા નહિવત હતુ એટલે પુનઃ વિચાર કરતાં એક ચમકારો થયો. આ આપણા પૂર્વજોનું પુણ્ય છે. આજની પેઢી છેલ્લા પાંચસો વર્ષના પૂર્વજોની ઋણી છે. અને હા, આપણો ઈતિહાસ નરેન્દ્ર મોદિ સાહેબને પણ શતાબ્દીઓ સુધી ભુલી નહિ શકે. એમનું વ્યક્તિગત જીવન પણ રામજન્મભૂમિ પર મંદિર નિર્માણથી ગૌરવાન્વિત બન્યું છે.
આજે વિશ્વએ એ વાત સ્વીકારવી પડશે કે, હિન્દુસ્તાનની જનતા કેટલી ધીરજ રાખી શકે છે. અરે! આજે તો બહુધા સંબંધો કાચ જેવા થતા જાય છે. વિદ્યા – વ્યવહાર કે સંબંધમાં તિતિક્ષા કે ધીરજ દેખાતી જ નથી. આજ દુનિયાએ એ વાત પણ વિચારવી જોઈએ કે , શું કોઈ માનવ આટલી પેઢીઓ સુધી , એક જ લક્ષ્ય લઈને ચાલી શકે ? પાંચ દશ વર્ષમાં તો ઘણું ઘણું બદલી જાય છે. આ તો પેઢીઓ બદલી ગઈ પણ રામ મંદિરની ઝંખના સરયુના પ્રવાહની જેમ સાતત્યપૂર્ણ રહી. કદાચ આવા અશ્રુતપૂર્વ ધૈર્યના પુણ્ય પ્રતાપે જ ભારત વિશ્વગુરૂ બનશે.
કોઈ પણ સફળતાની પાછળ ધીરજ એક અભિન્ન સંબંધ ધરાવતુ પરિબળ છે. અને આ ધીરજ ભારતીય જનતાએ સાબિત કરી છે. આપ આપની નજરે જોશો , ભારત કેવી રીતે વૈશ્વિક કેન્દ્ર બનશે. આપણે રામ મંદિરના નિર્માણથી ગૌરવની સાથે સાથે શિક્ષા પણ ગ્રહણ કરવી જોઈએ. ધીરજથી અસંભવ પણ સંભવ થાય છે. અશક્ય શક્ય થાય છે. પેઢીઓ જાય પણ ધીરજ ન જાય , એ મારૂ ભારત છે અને અયોધ્યાથી અમેરિકા સુધી જે રીતે આનંદ ઉત્સવ મહોત્સવ મહામહોત્સવ માં વરાસતનું ગૌરવ છલકાય રહ્યુ છે. દરેક જાતિ પ્રાંતના હિન્દુઓ હરખથી ઉછળી રહ્યા છે. દુનિયા હાથ ઘસતી રહી અને કસબામાં વસતા – શહેરોમાં વસતા રામપ્રેમીઓની આંખોના ખુણા હર્ષાશ્રુથી ભીંના થાય , એવું મહામંદિર બની ગયું. આ માત્ર મંદિર નથી , આપણા અતીતનું ગૌરવ છે. પૂર્વજોની રામરતિનું ક્ષતિ રહિત શાશ્વત સ્વરૂપ છે. હું આજ મહામંદિરની સમક્ષ ઉભો છું. હું વિશ્વાસ સાથે કહી રહ્યો છું કે, જે આ ભારતની વિશ્વગુરૂ બનવા તરફની ગતિના શ્રીગણેશ છે. આ ભારતની વૈશ્વિક વિચારધારાની અભિનવ રાજધાની બની રહેશે. આજ હિન્દુ અને હિન્દુસ્તાની હોવાનું ગૌરવ થાય છે. છાતી ગજ ગજ ફુલે છે.