બાંગ્લાદેશમાં 7 જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી દેશમાં હિન્દુઓ પર હુમલાની 7 ઘટના ઘટી ગઈ છે. તેમાં 1 હિન્દુની હત્યા કરાઈ છે જ્યારે 40-50 ઘર તોડી પડાયાં છે. તેમાંથી કેટલાંક ઘર મુસ્લિમોનાં પણ છે. હિન્દુઓના કહેવા પ્રમાણે ગત ચૂંટણીમાં વડાંપ્રધાન શેખ હસીનાના પક્ષ અવામી લીગ સામે ઊભા રહેલા કટ્ટરપંથીઓ હુમલો કરશે તેવી ભીતિ હતી પરંતુ આ વખતે અવામી લીગના પરાજિત સ્વતંત્ર ઉમેદવારોના હુમલાનો ડર હતો અને એ જ થયું.
તાજેતરની હિંસામાં દક્ષિણ-પશ્ચિમી ખૂલનાના જેનાઈદાહ જિલ્લામાં વરુણ ઘોષ (42)ની હત્યા કરાઈ હતી. વરુણના મોટા ભાઈ અરુણકુમારે દાવો કર્યો હતો કે મતદાન કરવા અને અવામી લીગને મત આપવાને કારણે વરુણની ઘાતકી હત્યા કરાઈ હતી. હિંસાની કેટલીક ઘટનાઓ જેનાઇદાહની નથી, દેશના વિવિધ ભાગોમાં થઈ છે. ગાઈબંધા જિલ્લામાં અવામી લીગને મત આપવાને કારણે હિન્દુઓને મારવાની ઘટનાઓ પણ બની છે. તેમાં અંદાજે 10 મહિલા પણ સામેલ છે.
આવી હિંસાની આશંકાને કારણે લઘુમતી સંગઠન હિન્દુ-બૌદ્ધ-ઇસાઈ એકતા પરિષદે કેન્દ્રીય દેખરેખ સેલ રચ્યું હતું. સેલના સંયોજક અને બાંગ્લાદેશ પૂજા ઉત્સવ પરિષદના અધ્યક્ષ કાજલ દેબનાથે કહ્યું કે હુમલા હિન્દુઓનાં ઘરમાં લૂંટફાટના સ્વરૂપમાં ફેરવાઈ ગયાં છે. મદારીપુર, માનિકગંજ, સિરાજગંજ અને ચટગાંવ જિલ્લામાં પણ હુમલાના સમાચારો છે.
ચૂંટણી પહેલાં દબાણ હતું, હવે ભય : સમિતિ અધ્યક્ષ
મહાનગર પૂજા સમિતિના અધ્યક્ષ અને હિન્દુ-બૌદ્ધ-ઇસાઈ ઓઇક્યા પરિષદના સંયુક્ત મહાસચિવ મણીન્દ્રકુમાર નાથે જેનાઇદાહમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને વરુણ ઘોષના પરિવારને પણ મળ્યા. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલાં દબાણ હતું અને હવે ડર છે. અમે આગામી 3 સપ્તાહ સુધી સેના અને બીજીબી સૈનિકને તૈનાત કરવા માગ કરી છે. વહીવટી તંત્રે સત્વરે કામગીરી કરવી જોઈએ.