CBSE સ્કૂલોમાં 9મા અને 11મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશન પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે અને 16મી ઓક્ટોબર સુધી ચાલશે. તેના માટે રજીસ્ટ્રેશન વિન્ડો ખુલ્યા બાદ સ્કૂલો વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ વખતે વિદ્યાર્થીઓની જન્મ તારીખ ભરતી વખતે સ્કૂલોએ ખૂબ કાળજી રાખવી પડશે કારણ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 2025-26ની વાર્ષિક પરીક્ષાઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરતા પહેલા નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે.
આ ફેરફારથી CBSE ને ડેટા મેનેજમેન્ટમાં સરળતા રહેશે
બોર્ડે કહ્યું કે હવે વિદ્યાર્થીઓની જન્મ તારીખ નોંધવાની પેટર્નમાં ફેરફાર કરવો પડશે. તે પ્રમાણે જન્મતારીખનો દિવસ અને વર્ષ નંબરોમાં લખવામાં આવશે, જ્યારે મહિનો અક્ષરોમાં લખવામાં આવશે. ઉદાહરણ તરીકે જો વિદ્યાર્થીની જન્મ તારીખ 1લી ફેબ્રુઆરી 2005 છે તો તેને 01-FEB-2005 તરીકે નોંધવામાં આવશે. બોર્ડે આ વખતે બીજા પણ કેટલાક ફેરફાર કર્યા છે. હવે એક વખત વિદ્યાર્થીનો ડેટા બોર્ડને મોકલી દીધા બાદ તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકાશે નહીં. આ પહેલા સ્કૂલ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અથવા તો તેમના માતાપિતાની વિનંતી પર જન્મ તારીખ અથવા નામમાં સુધારો કરી દેતી હતી. આ પ્રક્રિયાને કારણે બોર્ડને ડેટા સુધારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે આ સુધારો પરીક્ષાઓના પરિણામ જાહેર થયા બાદ જ કરી શકશે. આ ફેરફારથી CBSE ને ડેટા મેનેજમેન્ટમાં સરળતા રહેશે અને પરીક્ષા પ્રક્રિયા વધુ સરળ રીતે ચાલશે.
સ્કૂલોએ બોર્ડના આ નિર્ણયની પ્રશંસા કરી
CBSEના આ ફેરફાર પાછળનો ઉદ્દેશ્ય જન્મતારીખની નોંધણી કરવામાં થતાં ભ્રમ ઘટાડવાનો છે. સ્કૂલોએ પણ બોર્ડના આ નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે પહેલા આખી જન્મતારીખ અંકોમાં નોંધવામાં આવતી ત્યારે ઘણી ગેરસમજ થતી હતી. ખાસ કરીને દેશના જુદા જુદા ભાગોમાં અલગ-અલગ તારીખના ફોર્મેટ (DD-MM-YY અને MM-DD-YY)નો ઉપયોગ કરવામાં આવતો હતો જેના કારણે એ નક્કી કરવું મુશ્કેલ બની જતી હતું કે, જન્મતારીખ કયા ફોર્મેટમાં લખવામાં આવી છે.