ઘાટલોડિયા વિસ્તારમાં રહી અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતી શિવાલી કશ્યપના મોતના કેસમાં આજે મોટો પલટો જોવા મળ્યો છે. પહેલેથી આપઘાત માનવામાં આવી રહેલું આ મોત હવે હત્યા તરીકે સામે આવ્યું છે. હકીકતમાં, મૃતક શિવાલી કશ્યપની તેની સાથે લિવ-ઇનમાં રહેતા પ્રેમી સૌરભ ગિરીરાજ પુરોહિતે જ હત્યા કરી હોવાનું પરિવારજનોએ આરોપ મૂક્યો છે. શિવાલીનો ભાઈ આશુતોષ બારૂઆએ પોતાના સ્તરે તપાસ કર્યા બાદ આ બાબતો બહાર લાવી છે.
મૂળ આસામની રહેવાસી શિવાલી છેલ્લા બે વર્ષથી સૌરભ સાથે સંબંધમાં હતી અને છેલ્લા ચાર મહિનાથી બંને અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વર્ધમાન નગરમાં લિવ-ઇન રિલેશનશીપમાં રહેતા હતા. 10 જૂનની રાત્રે બન્ને વચ્ચે તીવ્ર ઝઘડો થયો હતો. આ જ રાત્રે અઢી વાગ્યાની આસપાસ શિવાલીને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સૌરભે પોલીસને જણાવ્યું હતું. પરંતુ પરિવારજનોના દાવા પ્રમાણે, આ કોઈ સામાન્ય આપઘાત નહોતો.
શિવાલીનો ભાઈ આશુતોષના જણાવ્યા મુજબ, મૃત્યુ બાદ જ્યારે તેઓ ઘાટલોડિયા ખાતે બાલ્કની નજીકના વિસ્તારમાં પહોંચ્યા, ત્યારે બેડરૂમની દિવાલ અને ફ્લોર પર લોહીના સ્પષ્ટ ડાઘ જોવા મળ્યા. વધુમાં, શિવાલીનો મૃતદેહ નીચેના સ્લેબ પર મળ્યો હતો, જે આશરે 10થી 12 ફૂટ ઊંચાઈ પરથી પડી શકે તેવી શક્યતા દર્શાવાય છે. આટલી ઊંચાઈથી પડવાથી માથામાં ગંભીર ઈજા થવી શક્ય નથી, જેથી શંકા મજબૂત બની છે કે શિવાલીને ઘરમાં જ ઈજાગ્રસ્ત કરીને ત્યારબાદ તેના મૃતદેહને નીચે ફેંકવામાં આવ્યો હોય શકે.
આસામ પોલીસમાં પણ અગાઉની ઘટના નોંધાઈ હતી, જેમાં 16 માર્ચે સૌરભે શિવાલી પર હુમલો કરી તેની તકે માથામાં ઈજા પહોંચાડી હતી. આ પૂર્વ ઇતિહાસ અને તાજેતરનો ઝઘડો — બંનેને ધ્યાનમાં લઈને શંકા વધતી ગઈ છે. શિવાલી અને સૌરભની આવનારી 1 ઓગસ્ટે સગાઈ થવાની હતી, પરંતુ સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો હતો.
શિવાલીનો પરિવાર કેસને ગંભીરતાપૂર્વક લઈ, આસામના નઝીરા પોલીસ સ્ટેશનમાં સૌરભ અને તેની માતા રંજના પુરોહિત સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ એફઆઈઆર ઘાટલોડિયા પોલીસને મોકલવામાં આવી છે, જેના આધારે હવે IPC કલમ 302 મુજબ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરુ કરવામાં આવી છે.
આ કેસ એકવાર ફરી લિવ-ઇન રિલેશનશીપના જોખમો, યુવતીઓ માટે સુરક્ષિત વાતાવરણનું અભાવ અને સંબંધોમાં માનસિક તણાવના ગંભીર પરિણેામોની ચર્ચા ખોલી રહ્યો છે. પોલીસે આ કેસમાં ફોરેન્સિક અને કાયદેસરની રીતે ચોકસાઈપૂર્વક તપાસ કરવાની ફરજ છે જેથી મૃતકને ન્યાય અને પરિવારને શાંતિ મળે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel