સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને પચીસ વર્ષ પૂર્ણ થતાં ઉજવાઈ રહ્યું છે રજત જયંતિ વર્ષ. આ પેટે લાયન્સ ક્લબ ઉમરેઠના સહયોગથી સિનિયર સિટીઝન ફોરમ દ્વારા પચીસ દિવસ રોજ કઈક ને કઈક સેવાકાર્ય કરવાનું નક્કી કરેલ છે. આ અનુસંધાનમાં પહેલા દિવસે બ્રહ્મા કુમારીઝ સેન્ટર ખાતે ડૉ. પવનકુમાર દ્વારા કેન્સર થતા પહેલા કેન્સર ન થાય તે માટે શું શું ધ્યાન રાખવું જોઈએ તે અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. કેન્સર અંગે જાગૃતિ માટેના આ કાર્યક્રમમાં ઉમરેઠ નગરમાં થી મોટી સંખ્યામાં ભાઈ બહેનો આવેલ હતા. ડો. પવનકુમાર દ્વારા કેન્સર થયેલ શરીર અને સ્વસ્થ શરીર વચ્ચેનો તફાવત દરેકની સમજમાં આવે તેવી સહજ શૈલીમાં સમજાવવામાં આવ્યો. સાથે સાથે સામે મુકેલ એલઈડી સ્ક્રીન પર ચિત્રો અને વિડિયો દ્વારા પણ લોકોને મહત્વની જાણકારી આપવામાં આવી.
સિનિયર સિટીઝન ફોરમના રજત જયંતિ મહોત્સવ ના આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિતિ અને સાથ સહકાર બ્રહ્મા કુમારી નીતાબેનની રહી હતી. ઉપરાંત સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠના પ્રમુખ ભાસ્કરભાઈ ગોસ્વામી, મંત્રી રમેશભાઈ રાણા, ખજાનચી લાલજીભાઈ રબારી, પ્રોજેક્ટ ચેરમેન દીપકભાઈ શેઠ અને કનવિનર ઘનશ્યામભાઈ પરમારની પણ મુખ્ય ઉપસ્થિતિ રહેવા પામી હતી.