કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં 9 ઓગસ્ટના રોજ એક જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. આ મામલામાં CBI સતત દરેક પાસાઓની તપાસ કરી રહી છે. દરમિયાન સીબીઆઈએ આ કેસમાં સિયાલદહ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે.
CBIના સૂત્રોના જણાવ્યા અનુસાર દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં લગભગ 200 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. આ કેસનો ભેદ ઉકેલતી વખતે સીબીઆઈએ પહેલાથી જ ધરપકડ કરાયેલા આરોપી સંજય રોયનું નામ હત્યા અને બળાત્કારના મુખ્ય આરોપી તરીકે જાહેર કર્યું છે. તેમજ ગેંગરેપ અંગે સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે હજુ તપાસ ચાલુ છે.
CBIએ શું કહ્યું?
આરોપી સંજય રોય સ્થાનિક પોલીસમાં નાગરિક સ્વયંસેવક તરીકે કામ કરતો હતો. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં આરોપી સંજય રોય વિશે કહ્યું છે કે તેણે પીડિતા સાથે 9 ઓગસ્ટના રોજ કથિત રીતે દુષ્કર્મ કર્યું હતું જ્યારે તે વિરામ દરમિયાન હોસ્પિટલના સેમિનાર રૂમમાં સૂઈ ગઈ હતી. ઉપરાંત, સીસીટીવી ફૂટેજમાં, સંજય રોય 9 ઓગસ્ટના રોજ સવારે 4.03 વાગ્યે સેમિનાર રૂમમાં પ્રવેશતા જોવા મળે છે. કોલકાતા પોલીસને ઘટનાસ્થળે આરોપીના બ્લૂટૂથ હેડફોન પણ મળ્યા હતા.
દેશભરમાં દેખાવો થયા
કોલકાતા બળાત્કાર કેસને લઈને દેશભરમાં દેખાવો કરવામાં આવ્યા હતા અને મહિલાઓના સન્માન અને તેમને ન્યાય આપવા માટેની માંગણીઓ કરવામાં આવી હતી. કોલકાતામાં જુનિયર ડોક્ટરોએ પણ બળાત્કાર પીડિતાને ન્યાય મળે તે માટે શનિવાર સાંજથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. જુનિયર ડોક્ટરોએ પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર તેમની માંગણીઓ પ્રત્યે બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
ડોક્ટરોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા
આમરણાંત ઉપવાસ શરૂ કરતા પહેલા શુક્રવારે જુનિયર ડોકટરોએ કોલકાતાના ધર્મતલામાં ડોરીના ક્રોસિંગ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં જુનિયર તબીબોએ રાજ્ય સરકારને તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો, પરંતુ તેમની માંગણીઓ પૂર્ણ ન થતાં તબીબોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા.
આ મામલામાં કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના પર વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે બાદ ઈડીએ પણ તેમની સામે કડક કાર્યવાહી કરી હતી. જો કે આ પહેલા પણ 25 સપ્ટેમ્બરે સીબીઆઈએ આ મામલામાં દાવો કર્યો હતો કે પોલીસ સ્ટેશનમાં પુરાવા બદલવામાં આવ્યા હતા અને નકલી રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા.