સંત,સાક્ષર અને સરદારની ભૂમિ એવા નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે.જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર તમામ કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે.ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તા.૧૪.૦૮.૨૦૨૪ ના રોજ નડિયાદના મહેમાન બનશે.
તા.૧૪ ઓગસ્ટના રોજ સાંજના ૪.૦૦ કલાકે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શહેરના યોગી ફાર્મ ખાતે યોજાનાર એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલ તેમજ મુખ્ય મંત્રીશ્રી સહભાગી થશે.ત્યારબાદ સ્વતંત્ર દિવસની પૂર્વ સંઘ્યાએ ડાકોર રોડ પર આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ‘ખેડાનું ખમીર’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.
આ મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખેડા જિલ્લાના પ્રાગૈતિહાસિક યુગથી લઈ સમકાલીન ખેડા જિલ્લાના વિકાસની વાતને આવરી લેવામાં આવી છે.
આ કાર્યક્રમમાં સ્થાનિક નડિયાદ કલા મંદિરના ૪૦ સહિત ૨૨૫થી વધુ નાટક નૃત્ય કલાકારો એક સાથે આ કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે.આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન, સાહિત્યિક વારસો, સાંસ્કૃતિક, ધાર્મિક ધરોહરને કલાના માધ્યમથી ઉજાગર કરવામાં આવશે.આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેડા જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાઓનું શાલ અને બહુમાનપત્ર આપી સન્માન કરવામાં આવશે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવસરે ખેડા જિલ્લાના રૂ.૧૧૮.૫૪ કરોડના ૨૧૮ વિકાસ કામોનું ઈ -લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.જેને પરિણામે જિલ્લાના વિકાસને વધુ વેગ મળશે.
આ અવસરે રાજ્યપાલ શ્રી તેમજ મુખ્ય મંત્રીના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત ખમીરવંતુ ખેડા
અને ખંતીલું ખેડા જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન પણ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે છેલ્લા એક સપ્તાહમાં જિલ્લાના દસ તાલુકાઓના ગામડાઓમાં ૮૦૬.૫૪ લાખના ૩૦૨ જેટલા વિકાસકામોનું સાંસદશ્રી,ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વાતંત્ર્ય દિન તા.૧૫ ઓગસ્ટના રોજ એસ.આર.પી મેદાનમાં રાષ્ટ્રની આન,બાન અને શાન એવા તિરંગાને લહેરાવશે.આ અવસરે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેશભક્તિથી સભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના કેશવ કથા કુંજ હોલ,યોગી ફાર્મ ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રદર્શન જાહેર જનતા માટે તા.૧૫ અને ૧૬ ઓગસ્ટના રોજ સવારે ૯ વાગ્યાથી સાંજના ૭ કલાક સુધી ખુલ્લું રહેશે.
આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, રાજપાલસિંહ જાદવ,ધારાસભ્યો,મુખ્ય સચિવશ્રી રાજકુમાર,રાજ્ય પોલીસ વડાશ્રી વિકાસ સહાય,ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.