નર્મદા જિલ્લા, 8 એપ્રિલ 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૈત્ર મહિનામાં ચાલી રહેલી પંચકોશી નર્મદા પરિક્રમાના અવસરે સોમવારે સવારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે માં નર્મદાની પૂજા-અર્ચના કરી હતી. તેમણે ગુજરાત અને દેશના નાગરિકોની સુખ-શાંતિ તથા વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી અને નર્મદાના પ્રાકૃતિક સૌંદર્યને નિહાળ્યું.
મુખ્યમંત્રીએ રામપુરા ઘાટ ખાતે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓ જેમ કે આરોગ્ય કેમ્પ, સખી મંડળના સ્ટોલ અને CCTV કન્ટ્રોલ રૂમનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે, “માં નર્મદાના અવતરણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીથી ગુજરાત હરિયાળું બન્યું છે. માં નર્મદા સૌને સુખ-સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના છે.”
આ પ્રસંગે મુખ્યમંત્રીએ શ્રી રણછોડરાયજી મંદિરના દર્શન કર્યા અને દેશભરમાંથી આવેલા પરિક્રમાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. તેમણે કહ્યું, “નર્મદા પરિક્રમા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. રાજ્ય સરકાર ‘આપકી આસ્થા હમારી વ્યવસ્થા’ના મંત્ર સાથે આ સુવિધાઓને કાયમી ધોરણે વિકસાવવા પ્રતિબદ્ધ છે.” પરિક્રમાર્થીઓએ પણ સરકારની વ્યવસ્થાઓની સરાહના કરી.
આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ મુખ્યમંત્રીને શાલ અને નર્મદાની પ્રતિમા અર્પણ કરી, જ્યારે યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી રમેશ મેરજાએ શ્રીફળ અને ચૂંદડી ભેટ આપી. નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, સાંસદો મનસુખભાઈ વસાવા, જશુભાઈ રાઠવા, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ભાજપ પ્રમુખ નિલ રાવ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.