વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા હવે મંદીના વમળમાંથી બહાર આવી રહ્યું છે. દેશની સ્થાનિક અને વિદેશી માંગમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં સતત બીજા મહિને ચીનમાં નિકાસમાં થોડો વધારો થયો છે. કસ્ટમ્સ ડેટા અનુસાર વર્ષના છેલ્લા મહિને નિકાસ વાર્ષિક ધોરણે ૨.૩ ટકા વધીને ૩૦૩.૬ અબજ ડોલર થઈ છે.
ડિસેમ્બર ૨૦૨૩માં આયાત પણ વાર્ષિક ધોરણે ૦.૨ ટકા વધીને ૨૨૮.૨ અબજ ડોલર થઈ છે. નવેમ્બરમાં આયાતમાં ૦.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ડિસેમ્બરમાં ચીનનો કુલ ટ્રેડ સરપ્લસ ૭૫.૩ અબજ ડોલર હતો, જે નવેમ્બરના ૬૮.૩ અબજ ડોલરથી ૧૦.૧ ટકા વધુ છે. ‘સતત સુસ્ત બાહ્ય માંગ હજુ પણ નિકાસ વૃદ્ધિનું મુખ્ય અવરોધક પરિબળ છે.’
શુક્રવારે નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર ડિસેમ્બરમાં ચીનમાં ગ્રાહક ભાવાંકમાં ૦.૩ ટકાનો ઘટાડો થયો છે. આ સતત ત્રીજા મહિને ઘટાડો છે. ચીનનો ડિસેમ્બર માટે ફેક્ટરીઓ દ્વારા જથ્થાબંધ વેપારીઓ પાસેથી વસૂલાતો, ઉત્પાદક ભાવ સૂચકાંક ૨.૭ ટકા ઘટયો હતો. સતત ૧૫મા મહિને તેમાં ઘટાડો થયો છે.
જાપાન, દક્ષિણપૂર્વ એશિયાના દેશો, યુરોપિયન યુનિયન અને યુએસ સાથેના વેપારમાં આ વર્ષે ઘટાડો થયો છે. ફેડરલ રિઝર્વ અને મધ્યસ્થ બેન્કોએ ફુગાવાને કાબૂમાં લેવા ગયા વર્ષે વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યા પછી યુરોપ અને એશિયામાં ચીનની નિકાસની માંગ નબળી રહી છે.
ચીનના પ્રોપર્ટી સેક્ટરની ખસ્તા હાલત દિવસે ને દિવસે કથળી રહી છે, વેચાણ ઘટી રહ્યું છે અને ડેવલપર્સ મોટા પ્રમાણમાં દેવું ચૂકવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ડિફોલ્ટ વધી રહ્યાં છે.