યુપીમાં સંભલ હિંસાને લઈને સીએમ યોગી આકરા પાણીએ છે. તેમણે આદેશ આપી દીધો છે કે સંભલ હિંસામાં થયેલું નુકસાન ઉપદ્રવીઓ પાસેથી વસૂલવામાં આવે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે 100થી પણ વધુ ઉપદ્રવીઓને ચિન્હીત કરવામાં આવી ચૂક્યા છે. આ ઉપદ્રવીઓના પોસ્ટર જાહેર સ્થળો પર લગાવવામાં આવશે. તેમની પાસેથી જાહેર સંપત્તિને થયેલું નુકસાન વસૂલાશે.
યોગી સરકાર પહેલાં જ ઉપદ્રવીઓ અપરાધીઓ સામે નુકસાન વળતરને લઈને વટહુકમ જારી કરી ચૂકી છે. ભાગેડું ઉપદ્રવીઓ પર ઇનામ જાહેર કરી શકાય છે. સંભલના વિવાદમાં અત્યાર સુધી 27 ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પોલીસે ફોટો પણ જારી કર્યા છે. મુરાદાબાદના કમિશ્નરે શાસનને સંભલના વિવાદ અંગે તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ મોકલ્યો છે. તેમને શાસનના બધા પાસાઓ અંગે અવગત કરાવવામાં આવ્યા છે.
સંભલમાં સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. જો કે હજી સુધી ઇન્ટરનેટ સેવા શરૂ થઈ નથી. સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જામા મસ્જિદના આસપાસના વિસ્તારોને છોડીને આખા શહેરના બજારો સંપૂર્ણપણે ખુલ્લા રહ્યા, પરંતુ બધે સન્નાટો હતો. શહેરમાં શાંતિ જાળવી રાખવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.
સંભલના વિવાદ પછી જામા મસ્જિદની સમિતિના વડા ઝફર અલીએ પોલીસ અને વહીવટીતંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા. તેના પર સંભર જિલ્લાના ડીએમ અને એસપીએ આરોપોના જવાબ આપવા ઉપરાંત જફર અલીની ભ્રામક વાતોનું ખંડન કર્યુ. હાલમાં સંભલમાં સ્થિતિ સંપૂર્ણપણે અંકુશમાં છે.
હિંદુ પક્ષે જણાવ્યું હતું કે, સંભલનો બીજો સરવે કરવામાં આવ્યો તે કંઈ ઉતાવળે કરવામાં આવ્યો ન હતો, પણ એડવોકેટ અને કમિશ્નરના આદેશના પગલે કરવામાં આવ્યો હતા, એમ હિંદુ પક્ષના વકીલે જણાવ્યું હતું. મસ્જિદની મેનેજમેન્ટ સમિતિના વલણને પડકારતા તેમણે આ વાત કહી હતી.