વેસ્ટર્ન રેલ્વે, વડોદરા ડિવિઝન દ્વારા શનિવારે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું હતું કે કીમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇનના ટ્રેક પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને ટ્રેક પર રાખી હતી, ત્યારબાદ ટ્રેનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. જોકે, ટૂંક સમયમાં જ આ લાઇન પર ટ્રેન સેવા શરૂ થઈ ગઈ હતી.
સુરત જિલ્લામાં કીમ રેલ્વે પોલીસ સ્ટેશનની હદમાં રેલ્વે ટ્રેક પર ફીશ પ્લેટ ખોલીને ટ્રેક પર મૂકી દઈ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ અંગેની જાણ પોલીસને થતા રેલવે અને સુરત ગ્રામ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ રેલવે વ્યવહાર ફરી એકવાર શરુ કરી દેવામાં આવ્યો છે તેમજ પોલીસની અલગ અલગ ટીમો આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
બનાવની જાણ થતા રેલવે અને સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા. આ બનાવને લઈને ટ્રેનનું આવગામન રોકી દેવામાં આવ્યું હતું અને બાદમાં રેલવે ટ્રેક પર કામગીરી કરી હાલ રેલવે વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.
ડીવાયએસપી આર.આર.સરવૈયાએ જણાવ્યું હતું કે, કીમ પાસે રેલ્વે ટ્રેક છે મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈ એમ ડાઉન અપ બે ટ્રેક છે. જેમાં કીમ પોલીસ સ્ટેશન હદની અંદર એક રેલવે ટ્રેક પર ફીશ પ્લેટ નટબોલ ખોલીને બાજુના રેલવે ટ્રેક પર રાખવામાં આવી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓએ આ માર્ક કર્યું કે ફીશ પ્લેટ કાઢવામાં આવી છે. જેના આધારે તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી તાત્કાલિક તમામ અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા હતા. ગરીબ રથ ટ્રેન જે પસાર થવાની હતી તેને કોસંબા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, સુરત ગ્રામ્ય પોલીસ, જીઆરપી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ એમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આ મામલે ગુનો નોધી કાર્યવાહી કરવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. જેમાં સુરત ગ્રામ્ય પોલીસની એલસીબી, એસઓજી, જીઆરપી અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કૃત્ય કરવા પાછળનો તેઓનો મનસુબો શું છે અને આનું કારણ શું છે તે તમામ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે પણ આરોપી આગુનામાં સંડોવાયેલા છે તેઓને તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ માટે ડોગ સ્કવોડ ની પણ મદદ લેવામાં આવી.
બે દિવસ પહેલા ઉતર પ્રદેશના રામપુરમાં આવારા તત્વોએ રેલની પટરી પર ટેલિફોન તારમાં ઉપયોગમાં લેવાતો જૂનો છ મીટર લાંબો લોખંડનો પોલ મૂકી દીધો હતો. જોકે, દેહરાદૂન એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવતા અકસ્માત ટળી ગયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના રામપુરથી લગભગ 43 કિમી દૂર રૂદ્રપુર સિટી રેલવે સ્ટેશન પાસે બની હતી. રુદ્રપુર સીટી સેક્શન રેલવે એન્જિનિયર રાજેન્દ્ર કુમારની ફરિયાદ પર રામપુરના સરકારી રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.