શામળાજી મંદિરે શરદ પૂર્ણિમાએ ભક્તોની ભીડ મોટી સંખ્યામા ઉમટતી હોય છે. ભગવાન કાળીયા ઠાકોર એટલે કે શામળિયા ભગવાનના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ મંદિરે પહોંચતા હોય છે. શરદ પૂર્ણિમાને લઈ શામળાજી મંદિર સાંજે 6 કલાકથી બંધ કરવામાં આવશે. શયન આરતી ગ્રહણને લઈ વહેલી કરવામાં આવનાર છે. શયન આરતી બાદ મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. ત્યાર બાદ રવિવારે વહેલી સવારે દ્વાર ખોલવામાં આવશે.
શામળાજીમાં શરદપૂર્ણિમાએ ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી હતી. કાળીયા ઠાકોરના પૂર્ણિમા અને અગીયારસે દર્શન કરવા માટે ભક્તોમાં અનેરુ મહત્વ હોય છે. શરદ પૂર્ણિમાં હોઈ ભગવાન શામળીયાના દરબારમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે. શનિવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટવા લાગી હતી.
ચંદ્રગ્રહણ હોવાને લઈ શામળાજી મંદિર સાંજે 6.00 કલાકે દર્શન માટે બંધ કરવામાં આવશે. સૂર્યગ્રહણ વખતે શામળાજી મંદિરને ખુલ્લુ રાખવામાં આવતુ હોય છે. પરંતુ મંદિરના પુજારીએ વાતચીતમાં બતાવ્યુ હતુ કે, ચંદ્રગ્રહણને લઈ મંદિરને બંધ કરવામાં આવે છે. આ માટે મંદિરની આરતી અને દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. શનિવારે શરદ પૂર્ણિમાએ સાંજે 4.30 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે અને 5.45 કલાકે જ શયન આરતી કરવામાં આવશે. ત્યારબાદ મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે. શરદોત્સવની ઉજવણી શુક્રવારે કરવામાં આવી હતી.