બંગાળની દક્ષિણ-પશ્ચિમમાં સર્જાયેલું દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ વાવાઝોડું 17 ઑક્ટોબરના રોજ સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચે દરિયાકાંઠે ટકરાવાની આશંકા છે અને દક્ષિણ કિનારે અને રાયલસીમા પર અનેક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આંધ્રપ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના હવામાન વિભાગના રોનાંકી કુર્મનાથે જણાવ્યું કે, આ વાવાઝોડું આવતીકાલે સવાર સુધીમાં પુડુચેરી અને નેલ્લોર વચ્ચે દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. તે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ તટ અને રાયલસીમાના ઘણા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠે પવન ફૂંકાઈ રહ્યો છે. આ પવનની ગતિ 40-60 કિમી/પ્રતિ કલાકની હોવાની સંભાવના છે.
Rayalaseema : Extremely Heavy Rainfall Observed During past 24 hours till 0830 HRS IST of 16.10.2024#weatherupdate #rainalert #HeavyRainfall #RainAlert #IMDWeatherUpdate #AndhraPradesh #Rayalaseema@moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive@APSDMA @AmaravatiMc… pic.twitter.com/q2VcoFOrP3
— India Meteorological Department (@Indiametdept) October 16, 2024
ચેન્નઈ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે શહેરમાં વાહન-વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો હતો. રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રોજિંદા જીવનમાં મોટો વિક્ષેપ સર્જાયો હતો. મુશળધાર વરસાદના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો, જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ અને ઘણી સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. દક્ષિણ રેલવેએ જળબંબાકારના કારણે ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર કાવેરી એક્સપ્રેસ સહિત ચાર એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી હતી.
ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી
ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી હતી, કેટલીક ટ્રેનોને ચેન્નઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પહેલા જ રોકી દેવામાં આવી હતી. કેટલીક ટ્રેનો માટે મૂળ સ્ટેશનને ઉપનગરીય અવાડીમાં સ્થાનાન્તરિત કરી દેવામાં આવી હતી. પર્યાપ્ત મુસાફરો ન આવવાને કારણે ઘણી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી.
IMDએ જારી કર્યુ ઍલર્ટ
IMDએ ઍલર્ટ જારી કર્યુ છે કે, તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ અને ચેન્નાઈ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ અને એક કે બે સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. કર્ણાટકના મહેસૂલ મંત્રી કૃષ્ણા બાયરે ગૌડાએ જણાવ્યું કે ભારે વરસાદની આગાહીને પગલે બેંગલુરુમાં ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. અમે કોઈપણ જરૂરિયાત માટે તૈયાર રહેવા માટે અન્ય 40 કર્મચારીઓને તહેનાત કરી રહ્યા છીએ. અમે તાત્કાલિક પ્રક્રિયા માટે ફાયર અને ઇમરજન્સી સેવાઓને સ્ટેન્ડબાય પર રાખી છે.
હેલ્પલાઇન નંબર જાહેર
શહેરની નાગરિક સંસ્થા બ્રુહત બેંગલુરુ મહાનગર પાલિકા (BBMP) એ આઠ વિસ્તારોમાં ચોવીસ કલાક સ્પેશિયલ કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે અને વરસાદ સંબંધિત સમસ્યાઓની જાણ કરવા માટે હેલ્પલાઇન નંબર (1533) પણ લોન્ચ કર્યો છે.