પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના નિર્ણયના કલાકો બાદ 2024માં રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે ચૂંટણી શેડ્યૂલ બહાર પાડ્યું છે. ચૂંટણી પ્રક્રિયા 19 ડિસેમ્બરના રોજ રિટર્નિંગ ઓફિસર દ્વારા જાહેર નોટિસ બહાર પાડવાની સાથે શરૂ થશે અને ત્યારબાદ ECP આરઓ અને જિલ્લા રિટર્નિંગ ઓફિસરો માટે તાલીમ શરૂ કરાશે.
ચૂંટણી કાર્યક્રમમાં પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનની રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલીઓમાં મહિલાઓ અને બિન-મુસ્લિમો માટે અનામત બેઠકોનો પણ સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને પંચે મોડી રાત્રે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો.
પીટીઆઈએ સમયસર ચૂંટણીની માગ કરી હતી
લાહોર હાઈકોર્ટે આરઓ અને ડીઆરઓની નિમણૂક માટેના પંચના નોટિફિકેશનને સસ્પેન્ડ કરી દીધું, જેના કારણે વોટિંગ પ્રક્રિયામાં અડચણ આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાહોર હાઈકોર્ટનો નિર્ણય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ આવ્યો છે.
પીટીઆઈ એ ઈમરાનની પાર્ટી છે, જેણે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં સમયસર ચૂંટણી કરાવવાની વિનંતી કરી હતી. લાહોર હાઈકોર્ટના નિર્ણય બાદ, પંચે હાઈકોર્ટના આદેશને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારી લીધી, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા પાટા પર આવી ગઈ.
નેશનલ એસેમ્બલીના વિસર્જનના 90 દિવસની અંદર ચૂંટણીઓ યોજાવાની હતી
અગાઉ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તત્કાલિન વડા પ્રધાન શેહબાઝ શરીફની સલાહના આધારે, તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું. અગાઉની સરકાર દ્વારા નીચલા ગૃહના વહેલા વિસર્જનનો હેતુ પાકિસ્તાનના બંધારણ મુજબ 90 દિવસ પછી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાનો હતો.
જો કે, આવું બન્યું ન હતું, કારણ કે ECPએ સામાન્ય હિતોની પરિષદ દ્વારા 2023ની ડિજિટલ વસ્તી ગણતરીના પરિણામોને મંજૂરી આપ્યા પછી મતવિસ્તારના નવા સીમાંકનની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો હતો. આ કારણે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ અને અન્ય ઘણા લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સમયસર ચૂંટણીની માંગ કરી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિને વાતચીત કરવાનો આદેશ આપ્યો અને ત્યારબાદ મતદાન માટે 8મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી.