હિંદ મહાસાગરમાં ધાક જમાવવા ચીન સતત પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં જ શ્રીલંકાના તટ પર સરવે પૂરો કર્યા બાદ 2 ડિસેમ્બરે ચીનના જહાજ શિયાન 6ને સિંગાપોર પહોંચ્યાને સમય થયો નથી ત્યાં ચીને શ્રીલંકા અને માલદીવ પાસે વધુ એક સમુદ્રી સરવે કરવા તેના જહાજને ત્યાંના પોર્ટ પર ડૉક કરવાની મંજૂરી માગી છે.
ભારતે વાંધો વ્યક્ત કર્યો હતો
જોકે ભારત પહેલાથી જ શ્રીલંકા અને માલદીવ સમક્ષ ચીનની આ હરકતો સામે વાંધો વ્યક્ત કરી ચૂક્યું છે. અહેવાલ અનુસાર ચીન 5 જાન્યુઆરી 2024થી મે 2024ના અંત સુધી દક્ષિણ હિંદ મહાસાગરમાં ઊંડા પાણીમાં સરવે કરવા માગે છે. આ સરવે માટે તે જિયાંગ યાંગ હોંગ 03 જહાજનો ઉપયોગ કરશે જે હાલ દક્ષિણ ચીન સાગરમાં જિયામેન તટ પર ઊભું છે.
ભારત કેમ ચિંતિત?
પહેલા શ્રીલંકા અને હવે પ્રો ચાઈના કન્ટ્રી માલદીવ દ્વારા તેના પોર્ટ પર ચીનના જહાજને ડૉક કરવાની મંજૂરી આપવાથી ભારત એટલા માટે પણ ચિંતિત છે કેમ કે ચીનનું જહાજ બેલેસ્ટિક મિસાઈલ ટ્રેકર્સ અને રિસર્ચ સર્વેલાન્સ ટેક્નોલોજીથી લેસ છે. ચીન સમુદ્રમાં રિસર્ચના નામે ભારતની જાસૂસી કરવા માટે પણ આ જહાજનો ઉપયોગ કરે છે.