લગ્ન પૂર્ણ કરી પરત રાજપીપળા જતી વખતે એકાએક બસમાં ૨૦-૨૫ લોકોને ઝાડા, ઉલ્ટી થતાં આ જાનૈયાઓની બસને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હાલ તમામ અસરગ્રસ્ત જાનૈયાઓની સ્થિતિ સ્ટેબલ છે.
મળતી માહિતી મુજબ રાજપીપળા ખાતે રહેતા પરિવારના સભ્યના લગ્ન હોય જાન જોડી અમદાવાદ મૂકામે ગતરોજ આવ્યા હતા. મોડીરાત્રે લગ્ન પતાવી જાનૈયાઓ રાજપીપળા લકઝરી બસમાં જતાં હતા. આ દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ચઢતા જ આ બસમાં સવાર ૨૦-૨૫ લોકોને અચાનક ઝાડા-ઉલ્ટી થઈ ગયા હતા. જેથી બસમાં સવાર જાનૈયાઓએ મધરાતે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા નડિયાદના એક્ઝીટ પોઈન્ટ પર ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ તબિયત લથડેલ જનૈયાઓને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.બસમાં સવાર વિનુભાઈએ જણાવ્યું કે, અમદાવાદ લગ્ન પૂર્ણ કરી પરત ફરતા એકાએક બસમાં સવાર ૨૦-૨૫ વ્યક્તિઓને ઝાડા, ઉલ્ટીની અસર થઈ હતી. આથી અમે ૧૦૮ની મદદ મેળવી તમામ લોકોને અહીંયા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છે. પંજાબી ફુડ જમ્યા હતા તે બાદ તબિયત લથડતા ફુડ પોઈઝનીગ થયુ હોવાનું જણાવ્યું છે. આ બસમાં ૫૫ જેટલા જાનૈયઓ સવાર હતા અને ૩ એમ્બ્યુલન્સ મારફતે અહીયા લાવ્યા હોવની વિગતો પણ આપી છે.
જ્યારે ૧૦૮ના ધર્મેન્દ્રભાઈ જાદવે જણાવ્યું કે, આ જાનૈયાઓની બસ રજપીપળા મૂકામે પરત ફરતી હતી. ૩૦થી ૩૫ ટકા જનૈયાઓ અસરગ્રસ્ત થતા ત્રણ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જે તમામની સારવાર ચાલુ છે. તે લોકોના કહેવા પ્રમાણે પંજાબી સબ્જી, ચાઈનીઝ અને હલવો આરોગીયો હોવાનું જણાવ્યું છે.