ગૃહ મંત્રાલયે બજારમાં આવેલી નકલી નોટો અંગે ચેતવણી જારી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ હાઈ એલર્ટ જારીને જણાવ્યું કે બજારમાં 500 રૂપિયાની નકલી નોટો આવી ગઈ છે, જે એકદમ અસલી નોટ જેવી જ દેખાય છે. ગૃહ મંત્રાલયે આ અંગે ચિંતા વ્યક્ત કરીને હાઈ એલર્ટ પણ જારી કર્યું છે.
ગૃહ મંત્રાલય અનુસાર, 500 રૂપિયાની નકલી નોટો અસલી નોટો જેવી જ દેખાય છે. પહેલી નજરે અસલી અને નકલી વચ્ચે ફરક શોધવો મુશ્કેલ છે. પરંતુ MHA એ કેટલાક એવા નિશાન જણાવ્યા છે, કે જેની મદદથી નકલી નોટો ઓળખવી સરળ છે. નકલી નોટો ઓળખવા માટે સરકારે સૂચવેલા નિશાનની મદદથી, અસલી અને નકલી નોટો વચ્ચે તફાવત શોધી શકાય છે.
ગૃહ મંત્રાલયે સોમવારે બજારમાં પહેલાથી જ ચલણમાં આવી ગયેલી 500 રૂપિયાની નકલી નોટો અંગે ‘હાઈ એલર્ટ’ જારી કર્યું છે. આ એલર્ટ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI), ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI), નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) અને અન્ય મુખ્ય નાણાકીય અને નિયમનકારી સંસ્થાઓને આપવામાં આવ્યું છે.
આમાં અસલી અને નકલી નોટો વચ્ચેના ભેદ વિશે પણ માહિતી આપવામાં આવી છે. એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, નકલી નોટો 500 રૂપિયાની અસલી નોટો સાથે આશ્ચર્યજનક સામ્યતા ધરાવે છે. માત્ર એક મામૂલી અંગ્રેજી શબ્દની ભૂલ તેમને ઓળખવામાં મદદ કરે છે.
આ રીતે ઓળખો નકલી નોટ
ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે નકલી નોટો અસલી 500 રૂપિયાની નોટો જેવી જ દેખાય છે. પરંતુ, નકલી નોટોમાં RESERVE BANK OF INDIAના સ્પેલિંગમાં એક ભૂલ છે, જેના કારણે તેને સરળતાથી ઓળખી શકાય છે. 500 રૂપિયાની નકલી નોટમાં RESERVE BANK OF INDIA’ના RESERVE માં E ને બદલે A ભૂલથી લખી દેવામાં આવ્યું છે.
એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને જણાવ્યું કે “બારીકાઈથી ચેક ન કરવામાં ન આવે તો આ નાની ભૂલ ધ્યાન બહાર રહી શકે છે, જેના લીધે આ નકલી નોટો ખાસ કરીને ખતરનાક બની જાય છે.” નાણાકીય સંસ્થાઓ, બેંકો અને સંબંધિત એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ એ વાતનો સંકેત છે કે મોટી સંખ્યામાં આ નકલી નોટો પહેલાથી બજારમાં આવી ગઈ છે. અધિકારીઓ નાગરિકો અને સંસ્થાઓને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ ચલણની જાણ કરવા વિનંતી કરી રહ્યા છે. આતંકવાદી ભંડોળની તપાસમાં સામેલ એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈપણ એજન્સી માટે એ જાણવું શક્ય નહીં હોય કે કેટલી નકલી નોટો ચલણમાં છે.
નકલી નોટો સંબંધિત માહિતી સેબી, ડીઆરઆઈ, સીબીઆઈ અને એનઆઈએ સહિત અનેક એજન્સીઓ સાથે શેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે નકલી નોટો પ્રિન્ટ અને ગુણવત્તા બંનેની દ્રષ્ટિએ અસલી નોટ જેવી જ છે. આનાથી એજન્સીઓને નકલી નોટોને ઓળખવામાં મુશ્કેલી પડે છે.