વડોદરા જિલ્લાના સાવલી તાલુકો હેઠળ આવેલા મંજૂસર GIDC વિસ્તારમાં આજે એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં રહેલા જ્વલનશીલ કેમિકલ અને અન્ય પદાર્થોના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
મળતી માહિતી મુજબ મંજૂસર ચોકડી નજીક આવેલી એક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કંપનીમાં રહેલા કેમિકલ અને અન્ય જ્વલનશીલ સામગ્રીના કારણે આગ થોડા જ સમયમાં ભયંકર બની ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા લગભગ પાંચ કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે દેખાતા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આગની તીવ્રતા વધતા આસપાસ આવેલી અન્ય કંપનીઓ માટે પણ જોખમ ઊભું થયું હતું. સુરક્ષા પગલાં તરીકે નજીકના વિસ્તારમાંથી લોકોને દૂર ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ ગુજરાત ફાયર સર્વિસ તેમજ સાવલી અને વડોદરા સહિત આસપાસની ખાનગી કંપનીઓના ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
હાલ ફાયર વિભાગના જવાનો યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી કરી રહ્યા છે. આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel