વડોદરાના દિવાળીપુરા સ્થિત કોર્ટ સંકુલને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં સનસનાટી મચી ગઈ છે. ટૂંકા ગાળામાં બીજી વખત આવી ધમકી મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે કોર્ટના તમામ એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને કોર્ટનું કામકાજ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યું છે.
બાર કાઉન્સિલ ચૂંટણી પૂર્વે ધમકી
આવતીકાલે યોજાનારી Bar Council of Gujarat ની ચૂંટણી પહેલા મળેલી આ ધમકી ગંભીર માનવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું અને વકીલો તથા અસીલોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી હતી.
અગાઉ પણ મળી હતી ધમકી
અગાઉ પણ વડોદરા કોર્ટને બોમ્બની ધમકી આપતો એક ઈમેલ મળ્યો હતો, જેની તપાસ Akota Police Station અને સાયબર સેલ દ્વારા કરવામાં આવી હતી. કલાકોની તપાસ બાદ તે વખતે કોઈ સ્ફોટક સામગ્રી મળી આવી નહોતી અને ધમકી અફવા સાબિત થઈ હતી.
પરંતુ, આજે ફરીથી આવી જ ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જડ બનાવી દેવામાં આવી છે. કોર્ટ પરિસરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
તપાસ એજન્સીઓ એક્શનમાં
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સાયબર સેલ ફરી સક્રિય થયું છે. મેલ કે મેસેજ કયા સ્ત્રોતથી મોકલાયો છે તે શોધવા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે કે આ ધમકીઓ પાછળ કોઈ તોફાની તત્વોની શરારત છે કે કોઈ ઊંડી સાજિશ.
સુરક્ષા પર ઉઠ્યા સવાલ
વડોદરા શહેરમાં અગાઉ શાળા, કોલેજ અને કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે. વારંવાર આવી ધમકીઓ મળતાં નાગરિકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel