નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું કે, ‘યુપીઆઈ ફોર સેકન્ડરી માર્કેટ’ આવતા અઠવાડિયે લોન્ચ થશે. તેનાથી ક્લિયરિંગ કોર્પોરેશન, સ્ટોક એક્સચેન્જ, ડિપોઝિટરીઝ, સ્ટોક બ્રોકર્સ, બેંક અને UPI એપની સર્વિસ પ્રદાન કરતી કંપનીઓ સાથે ઈક્વિટી કેશ સેગમેન્ટ માટે તેનું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવશે.
NPCI એ કહ્યું છે કે, આ પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન, ઈન્વેસ્ટર્સ તેમના બેંક ખાતામાં નાણાં બ્લોક કરી શકે છે, જે ક્લિયરિંગ કોર્પોરેશન દ્વારા સેટલમેન્ટ દરમિયાન ટ્રેડની પુષ્ટિ પર જ ડેબિટ કરવામાં આવશે. ચાલો જાણીએ કે તેનાથી કેવી રીતે ફાયદો થશે અને સેકન્ડરી માર્કેટ શું છે?
આ બેંકોના ગ્રાહકોને મળશે સુવિધા
ક્લિયરિંગ કોર્પોરેશન આ ગ્રાહકોને T+1 ના આધારે ડાયરેક્ટ ચૂકવણીની પ્રક્રિયા કરશે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ બીટા લોન્ચમાં ગ્રો દ્વારા બ્રોકરેજ એપ તરીકે સર્વિસ આપવામાં આવશે. ભીમ, ગ્રો અને યસ પે નેક્સ્ટને UPI એપ તરીકે સર્વિસ આપવામાં આવશે. શરૂઆતમાં, HDFC બેંક અને ICICI બેંકના ગ્રાહકો આ સુવિધાનો લાભ લઈ શકશે.
HDFC બેંક, HSBC, ICICI બેંક અને યસ બેંક ક્લીયરિંગ કોર્પોરેશન અને એક્સચેન્જ માટે સ્પોન્સર બેંક તરીકે કામ કરી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ઝેરોધા જેવા સ્ટોક બ્રોકર, એક્સિસ બેંક અને યસ બેંક જેવી ગ્રાહક બેંક અને Paytm અને PhonePe જેવી UPI એપ્સને તક આપવામાં આવશે.
જાણો શું છે સેકન્ડરી માર્કેટ
સેકન્ડરી માર્કેટ અગાઉ જાહેર કરાયેલા નાણાકીય સંસાધનો જેમ કે સ્ટોક્સ, બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફ્યુચર્સ અને ઓપ્શન્સનો ટ્રેડ કરે છે. આ બજારનો મુખ્ય ઉદ્દેશ્ય રોકડ પ્રવાહની ખાતરી કરવાનો છે. તેમાં પહેલાથી અસ્તિત્વમાં રહેલી સિક્યોરિટીઝ જેમ કે શેર, બોન્ડ અને મ્યુચ્યુઅલ ફંડનું સરળતાથી ખરીદ-વેચાણ કરી શકાય છે. સેકન્ડરી માર્કેટ એ છે જ્યાં રોકાણકારો તેમની પાસે પહેલેથી જ માલિકીની સિક્યોરિટીઝ ખરીદે છે અને વેચે છે.