રામમંદિર આંદોલનના ટોચના નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિરના ઉદ્્ઘાટન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભગવાને જ પસંદગી કરી હોવાનું કહ્યું હતું જ્યારે પોતાની ભૂમિકા આંદોલનના સારથિ તરીકેની હોવાનું પણ કહ્યું હતું.
એક અખબારમાં પ્રસિદ્ધ થનારા લેખમાં અડવાણીએ લખ્યું છે કે 1990માં સોમનાથથી રથયાત્રા શરૂ કરાઈ ત્યારે નરેન્દ્ર મોદી તેમની સાથે હતા. એ સમયે તેઓ ઓછા જાણીત હતા પરંતુ એ સમયે જ ભગવાન રામે પોતાના મંદિરના પુનર્નિર્માણ માટે પોતાના ભક્ત મોદીને પસંદ કર્યા હતા.
એ સમયે મને લાગ્યું કે એક દિવસ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનશે, એનો નિયતિએ નિર્ધાર કરી લીધો છે. વડા પ્રધાન જ્યારે પ્રભુની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરશે ત્યારે તેઓ ભારતના સર્વ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરશે. અડવાણીએ પોતાના લેખમાં કહ્યું છે કે આજે રથયાત્રાના 33 વર્ષ પૂર્ણ થયાં છે. વિશ્વ હિન્દુ પરિષદના કહેવા મુજબ અડવાણી અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે.