આજના સમયમાં બેંક તેમજ ગ્રાહકો સાથે સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા છે તેમજ અવાર-નવાર ઓનલાઈન છેતરપિંડિના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર બેંકો અને ગ્રાહકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે મહત્વપૂર્ણ પગલા લેવા જઈ રહી છે. આ માટે નાણામંત્રાલયે એક બેઠક બોલાવી છે.
યુકો બેંક સાથે થયેલી 820 કરોડ રુપિયાની છેતરપિંડીને ધ્યાનમાં રાખીને મહત્વની બેઠક બોલાવી
આજના ટેક્નિકલ યુગમાં બેંકિંગથી લઈને શોપિંગ સુધી તમામ મોટા ભાગના કામ ઓનલાઈન કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સાયબર ગુનેગારો પણ આનો ફાયદો ઉઠાવી ઓનલાઈન ફ્રોડ કરી લોકોને શિકાર બનાવી રહ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર બેંકો અને ગ્રાહકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે મહત્વપૂર્ણ પગલા લેવા જઈ રહી છે. આ માટે નાણામંત્રાલય આગામી અઠવાડીયે ખાનગી બેંકોના અધિકારીઓ સાથે સાયબર સિક્યોરિટીના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરુઆતમાં જ યુકો બેંક સાથે થયેલી 820 કરોડ રુપિયાની છેતરપિંડીને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ રહી છે.
સાયબર સુરક્ષાની જરૂરિયાતોનું એક સામાન્ય લઘુત્તમ માળખું વિકસાવવું જોઈએ: RBI
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ નાણા મંત્રાલયે પહેલેથી બેંકોને તેમની ડિજિટલ સિસ્ટમ અને સાયબર સુરક્ષા સંબંધિત પગલાંની સમીક્ષા કરવા માટે કહ્યું છે ત્યારે મંત્રાલય હવે ખાનગી ક્ષેત્રની બેંકોના MDs અને CEO સાથે બેઠક કરીને પરિસ્થિતિ વિશે વધારે જાણકારી મેળવશે. આ અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે બેંકોએ સાયબર સુરક્ષાની જરૂરિયાતોનું એક સામાન્ય લઘુત્તમ માળખું વિકસાવવું જોઈએ જેથી નાણાકીય સંસ્થાઓ માટે શ્રેષ્ઠ પ્રયાસો અને ધોરણો સ્થાપિત કરવા અને તમામ સંસ્થાઓને સાયબર જોખમોથી પોતાને બચાવવા માટે જરૂરી પગલાં લેવામાં મદદ મળી શકે.