આજથી 12મી નવેમ્બર કારતક સુદ દસમથી ગિરનારની લીલી પરિક્રમામાં(Girnar Lili Parikrama)શરૂઆત થઈ ગઇ છે. આ વર્ષે ગિરનારને ફરતે પરિક્રમા 15મી નવેમ્બર સુધી યોજવામાં આવી છે. જેમાં લાખો યાત્રાળુઓ આવતા હોય અને તેઓ આ પરિક્રમા પગપાળા ચાલીને કરતા હોય છે. આ યાત્રાળુઓનું આરોગ્ય ના જોખમાય તે માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરી છે, પરિક્રમાના રસ્તે સરકારી આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એક બાળકી પર દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે આ વખતે વનતંત્રએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જાણો અહીં આ વખતે પરિક્રમામાં શું શું ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે…
લીલી પરિક્રમામાં શું શું વ્યવસ્થા ?
– પરિક્રમાના રૂટ પર 80 થી વધુ અન્નક્ષેત્રો તૈયાર કરાયા છે
– પરિક્રમાના રૂટ પર છાશ-દૂધના 23 કેન્દ્રો રખાયા છે
– પરિક્રમાના રૂટ પર પાણીની 32 ટાંકી ગોઠવવામાં આવી છે
– અઢી હજારથી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાયા છે
– સીસીટીવી કેમેરા અને ડ્રૉનથી નજર રાખવામાં આવશે
– ફ્રી વાહન પાર્કિંગના બોર્ડ મુકવામાં આવ્યા છે
– રૂટ ના ભટકે તે માટે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે
– એક હજારથી વધુ કચરાપેટીઓ મુકવામાં આવી છે
– મેડિકલ-પેરા મેડિકલની 16 ટીમો તૈનાત કરાઇ છે
– ભવનાથના નાકોડામાં ICU કાર્યરત રહેશે
– જિલ્લા વહીવટી પ્રશાસને રિક્શા ભાડાના દર નિયત કર્યા છે
– પરિક્રમાના રૂટ પર કુલ 16 એમ્બ્યૂલન્સ સ્ટેન્ડબાય રહેશે
– પરિક્રમાના રૂટ પર 10 હંગામી દવાખાના ઉભા કરાયા છે
– રાત્રે અજવાળુ કરવા આઠ ડીઝલ જનરેટર સેટ મુકાયા છે
– સિંહ, દીપડાને રૂટથી દુર રાખવા 350 વનકર્મીનો સ્ટાફ તૈનાત રહેશે.
આ વખતે ગિરનારની લીલી પરિક્રમા નિર્ધારિત સમયથી બે દિવસ વહેલી શરૂ કરવામાં આવી છે. વહેલી સવારે ઈટવા ચેકપોસ્ટનો ગેટ ખુલ્લો કરીને પરીક્રમાર્થીઓએ 36 કિલોમીટરની પરિક્રમાની શરૂઆત કરી દીધી છે. સામાન્ય રીતે લીલી પરિક્રમા વિધિવત 12 તારીખ દેવ દિવાળી રાતે 12 વાગેએ શરૂ થતી હોય છે.
ગિરનાર પરિક્રમા માટે આ રૂટ નિયત કરાયો
ગિરનાર લીલી પરિક્રમા ભવનાથથી પ્રારંભ થાય છે. રૂપાયતનથી ઈંટવા, ચાર ચોક થઈ જીણાબાવાની મઢી, જાંબુડી થાણાથી ચાર ચોક, જીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણા બાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી, માલીડાથી પાટવડ કોઠાથી સુરજકુંડ, સરકડીયાથી સુખનાળા, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી, નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા, ત્રણ રસ્તાથી બોરદેવી અને ત્યાંથી ભવનાથ સુધીમાં આ 36 કિ.મી.ની પરિક્રમા પૂર્ણ થાય છે.