વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જે મોટા GST સુધારાનો સંકેત આપ્યો હતો, તે હવે વાસ્તવિક રૂપ લેવા જઈ રહ્યો છે. આ સંદર્ભમાં GST કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક દિલ્હી ખાતે 3 અને 4 સપ્ટેમ્બર, બે દિવસ સુધી યોજાશે, જેમાં દેશના તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ બેઠકમાં આગામી સમયમાં લાગુ થનારા નવા કર માળખા અંગે વ્યાપક ચર્ચા થવાની છે.
આ પહેલાં નાણાં મંત્રાલયે GSTના દરોમાં કરવાના સુધારા સંબંધિત ભલામણો તૈયાર કરીને તેને ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ (GoM)ને મોકલ્યા હતા. GoMએ તેના પર ચર્ચા કર્યા બાદ આખરી ભલામણો કાઉન્સિલને સુપરત કરી છે. હવે કાઉન્સિલ આ પ્રસ્તાવોને ધ્યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેશે.
મુખ્ય પ્રસ્તાવ મુજબ, હાલના 5%, 12%, 18% અને 28% ના ચાર GST સ્લેબને દૂર કરીને માત્ર બે જ સ્લેબ રાખવાની યોજના છે—એક 5% નો મેરિટ રેટ અને બીજો 18% નો સ્ટાન્ડર્ડ રેટ. આ બદલાવથી કર માળખું સરળ બનશે અને ગ્રાહકોને પારદર્શિતા મળશે. સાથે જ, પાન મસાલા, તમાકુ, સિગરેટ જેવી ડિમેરિટ પ્રોડક્ટ્સ પર 40% સુધીનો ખાસ GST દર લગાડવાની વિચારણા ચાલી રહી છે, જેથી એક તરફ સરકારની આવકમાં વધારો થાય અને બીજી તરફ સ્વાસ્થ્યને હાનિકારક વસ્તુઓના વપરાશમાં નિયંત્રણ આવે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ખાસ કહી ચૂક્યા છે કે તેમની સરકાર દિવાળી પહેલાં નાગરિકોને મોટી ભેટ આપશે. આ ભેટ રૂપે હવે GST દરોમાં મોટા ફેરફારો થવાના છે. જો આ પ્રસ્તાવ પસાર થાય છે, તો તે માત્ર દેશના કર માળખાને સરળ બનાવશે નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોને (ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, વીમા વગેરે) પણ સીધો ફાયદો પહોંચાડશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom