ગુજરાત બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રના પરિરૂપમાં મોટાપાયે ફેરફાર કર્યો છે. આ ફેરફાર મુખ્યત્વે પ્રથમ ભાષાના વિષયો માટે કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દુ વિષયોમાં શ્રીમદ ભગવદ ગીતાના બે-બે પાઠ ઉમેરવામાં આવ્યા છે. પરિણામે, આ ચારેય ભાષા વિષયોના પ્રશ્નપત્રના નવા પરિરૂપ હવે અમલમાં આવશે.
ગુજરાત બોર્ડે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEOs)ને આ બદલાવ અંગે પરિપત્ર મોકલીને સૂચના આપી છે કે, શાળાઓમાં નવા પાઠ્યપુસ્તકો અને નવી પ્રશ્નપત્ર શૈલીનો અમલ આ વર્ષે જ કરવો પડશે. હવે પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષાઓ તેમજ બોર્ડ પરીક્ષાઓમાં ગીતાના પાઠમાંથી પણ 3-4 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, સરકારના ઠરાવ પ્રમાણે પાઠ્યપુસ્તક મંડળે ચાર ભાષાઓમાં ભગવદ ગીતાના શ્લોકો સાથેના પાઠનો અનુવાદ કરીને નવા પુસ્તક તૈયાર કર્યા છે. આ પુસ્તકની સોફ્ટ કોપી સ્કૂલોને મોકલવામાં આવી છે. શાળાઓ હવે ગીતાના પાઠન માટે મહિના પ્રમાણે આયોજન કરશે.
પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હવે ભગવદ ગીતાનું પાઠન નિયમિત થતું થઈ ગયું છે. પહેલા માત્ર ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ માટે 2024-25થી શરુ કરવામાં આવેલ ગીતાના પાઠનનો વિસ્તાર હવે તમામ માધ્યમ સુધી પહોંચ્યો છે.
અન્ય મહત્વના બદલાવ:
- કોમ્પ્યુટર વિષય: જૂના અભ્યાસક્રમને ટેક્નોલોજીની નવી જરૂરિયાતો મુજબ બદલવામાં આવ્યો છે. નવા અભ્યાસક્રમ અને પુસ્તક 2025-26થી અમલમાં આવશે. હવે વિદ્યાર્થીઓને આધુનિક કોમ્પ્યુટર ટેકનોલોજી વિષે વધુ સમજી શકાય તેવું પાઠયક્રમ મળશે.
- અર્થશાસ્ત્ર (ધો.12): હવે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિષે નવું ચેપ્ટર ભણવામાં આવશે. ભારત સહિત વિશ્વભરમાં આધુનિક કૃષિની સામે વૈકલ્પિક પદ્ધતિ તરીકે પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધતું જઈ રહ્યું છે. નવા પ્રશ્નપત્ર પરિરૂપમાં આ ચેપ્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને મહિના પ્રમાણે અભ્યાસક્રમનું આયોજન પણ જાહેર થયું છે.
આ સુધારા સાથે ગુજરાત બોર્ડ શાળાઓમાં આધ્યાત્મિકતા, આધુનિક ટેક્નોલોજી અને પર્યાવરણપ્રેમી ખેતીની સમજ ઊંડાવી રહ્યો છે. આ શૈક્ષણિક નીતિ રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને નવા દિશા-સૂચક યોગદાન આપી શકે તેવા પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel