ભારત વૈજ્ઞાનિક ઉન્નતિના એક મહત્વના અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે, જેમાં તેના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાની યાત્રા હવે વધુ વ્યાપક અને વ્યાવસાયિક બની રહી છે. દેશના પ્રથમ અવકાશયાત્રીઓ માટે તાલીમ અને તૈયારીના અભ્યાસરૂપે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ લદાખના ત્સો કર વેલી વિસ્તારમાં એક અનોખું તાલીમ કેન્દ્ર શરૂ કર્યું છે — જેનું નામ છે હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન (HOPE). આ કેન્દ્રનું ઉદ્ઘાટન ISROના અધ્યક્ષ ડો. વી. નારાયણન દ્વારા 31 જુલાઈ 2025ના રોજ કરવામાં આવ્યું હતું. HOPE અભ્યાસક્રમની વિશિષ્ટતા એ છે કે તે “એનેલોગ મિશન” તરીકે કાર્ય કરે છે — એટલે કે, તે અંતરિક્ષના યથાર્થ જેવી જ પરિસ્થિતિઓમાં અવકાશયાત્રીઓને તાલીમ આપે છે.
HOPEનું સ્થાન એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે જ્યાંનું ભૌગોલિક અને પર્યાવરણીય માહોલ મંગળ ગ્રહ (માર્સ)ની ધરતી જેવી સમાનતા ધરાવે છે. લદાખની ત્સો કર વેલીનું ભૌગોલિક ઢાંચો, ઓછી બારોમેટ્રિક દબાણવાળી હવા, ન્યૂટ્રિએન્ટની ઓછી માત્રાવાળી માટી અને તીવ્ર તાપમાન પરિવર્તન જેવી પરિસ્થિતિઓને કારણે તે મંગળના સંશોધન માટે આદર્શ સ્થાન માનવામાં આવ્યું છે. HOPEના માધ્યમથી ભારતની અવકાશ યોજના 2040 સુધીના ચંદ્ર અને મંગળ પર માનવી મોકલવાના લક્ષ્યાંકો માટે મહત્વપૂર્ણ તૈયારી કરી રહી છે.
આ કેન્દ્રમાં બે મુખ્ય મોડ્યુલ યુનિટ્સ બનાવવામાં આવી છે – એક 8 મીટર પહોળું રહેઠાણ માટેનું અને બીજું 5 મીટર પહોળું વૈજ્ઞાનિક અભ્યાસ અને પરિક્ષણ માટેનું છે. 1 થી 10 ઓગસ્ટ 2025 દરમિયાન, બે વૈજ્ઞાનિકો કે જેઓ અવકાશયાત્રીઓ તરીકે ટ્રેનિંગ લઈ રહ્યા છે, તેઓ HOPE કેન્દ્રમાં રહેશે અને વિવિધ પ્રકારની શારીરિક, માનસિક તથા વૈજ્ઞાનિક પરીક્ષાઓમાંથી પસાર થશે. તેઓ અભ્યાસકાળ દરમિયાન માટીના નમૂનાઓ એકઠા કરવાના, સુક્ષ્મજીવોના પરીક્ષણો (Microbial Testing) જેવા અનુભવો કરશે – જે ચંદ્ર અથવા મંગળ ગ્રહ પર મિશન દરમિયાન મહત્વપૂર્ણ રહેશે.
આ કાર્યક્રમમાં ભારતની વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ જોડાઈ છે. ખાસ કરીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન, જે બંને ટ્રેની અવકાશયાત્રીઓની શારીરિક અને માનસિક ગતિવિધિઓ પર સતત નિરીક્ષણ રાખશે, જેથી અવકાશયાત્રાની ભવિષ્યની અતિસૂક્ષ્મ જરૂરિયાતોને સમજવામાં મદદ મળે.
આ અનોખું અને વૈજ્ઞાનિક રીતે વિકાસશીલ અભ્યાસ કેન્દ્ર ભારત માટે એક મોટો પડકાર તો છે જ, સાથે સાથે તે વૈશ્વિક સ્તરે ભારતના અવકાશ ક્ષેત્રના દ્રઢ સંકલ્પ અને આગળ વધવાની ક્ષમતા દર્શાવે છે. HOPE કેન્દ્ર મારફતે મેળવવામાં આવતી માહિતી, અનુભવ અને પરિક્ષણના આધારે ભારતના આગામી મૂન અને માર્સ મિશન માટે વધુ ગાઢ આયોજન અને સલામત અવકાશયાત્રા સુનિશ્ચિત થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel