શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની તીર્થધામ વડતાલ ખાતે તારીખ 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબા ભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવન ચરણરજથી અંકિત થયેલી અક્ષરધામ તુલ્ય દિવ્યભૂમિ વડતાલમાં તારીખ 7થી તારીખ 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના લાખો હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂ થયો છે.
દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા – પોથીયાત્રા તથા કળશયાત્રાની તથા મહોત્સવના શુભારંભે માહિતી આપતા મુખ્ય કોઠારી ડૉક્ટર સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, આ શતાબ્દી મહોત્સવનો શુભારંભ નથી, આ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સુવર્ણયુગ નો શુભારંભ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આ ઘટનાના આપણે સાક્ષી છીએ. તારીખ 7ને ગુરૂવારના રોજ વહેલી મહેળાવથી શરૂ થયેલ શોભાયાત્રા આઠ કિલોમીટરનો પથ કાપી સભા મંડપમાં પહોંચી એ પહેલા ઠેર ઠેર યાત્રાનું પૂજન અને સ્વાગત થયું હતું.
આ પોથીયાત્રા કળશયાત્રા તથા શોભાયાત્રામાં પ.પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન પૂ. દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ પૂ. શા.નૌતમપ્રકાશ દાસજી, કથાના વક્તા પૂ. જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) તથા પૂ. નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) સહિત સંપ્રદાયના વડીલ સદગુરુ સંતો-મહંતો તથા વડતાલ – ગઢડા જુનાગઢ ધોલેરા સહિત અનેક ધામોથી થી પધારેલા સંતો જોડાયા હતા.
આ ઉપરાંત પૂજ્ય ગાદીવાળા માતૃશ્રી તથા સાંખ્યયોગી માતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. અનેક મહિલા મંડળો…પંચેશ્વર મહિલા મંડળ, ભુલેશ્વર મહિલા મંડળ, મહિલા મંડળ ભુજ, મહિલા મંડળ કલાકુંજ અને 5 હજાર પોથીવાળા બહેનો, 5 હજાર કળશવાળા બહેનો તથા અન્ય દેશ વિદેશથી પધારેલા સ્ત્રી અને પુરુષ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર પોથીયાત્રામાં 10 બગીઓ, અનેક શણાગરેલ ટ્રેક્ટરો, 4 ગજરાજ, 30 ઘોડા, ઉપરાંત રામચંદ્ર મ્યુઝીક બેન્ડ, ગોધરા મંદિર બેન્ડ, વીરસદ સત્સંગ મંડળ, નાસીક ઢોલ, બોદાલ ઢોલ, હિમંતનગર બેન્ડ, ભૂંગળવાળા 2 મંડળ, જ્ઞાનબાગ ભજનમંડળ ઉપરાંત પોથીયાત્રામાં લશ્કરની તોપ (ભુજ) આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
રિપોર્ટર-યેશા શાહ(ખેડા)