એક સમય હતો જ્યારે આપણા દળો જરૂરી સંરક્ષણ સાધનો (Defense weapons) માટે વિદેશી સપ્લાયર્સ (Foreign suppliers) પર આધાર રાખતા હતા. પણ આજે ચિત્ર બદલાઈ ગયું છે. આજે ભારત તેના મોટાભાગના સંરક્ષણ સાધનોનું ઉત્પાદન પોતે કરે છે. 65 ટકા સંરક્ષણ સાધનો હવે દેશમાં જ બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે પહેલા આપણે લગભગ 70 ટકા સંરક્ષણ સાધનો માટે વિદેશી દેશો પર આધાર રાખવો પડતો હતો. ભારત હવે સ્થાનિક ઉત્પાદન (Make in India)માં ઉભરતી શક્તિ બની ગયું છે. આ સાથે આપણે આપણી લશ્કરી તાકાત (Army Power)ને એક નવો આકાર આપી રહ્યા છીએ. આજે આપણે ફક્ત પોતાના માટે શસ્ત્રો જ નથી બનાવતા પણ વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ. આ સમયગાળા દરમિયાન ભારતના સંરક્ષણ બજેટ (Defense Budget)માં પણ નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2013-14માં ભારતનું સંરક્ષણ બજેટ 2.53 લાખ કરોડ રૂપિયા હતું, જે વર્ષ 2025-26 માટે વધીને 6.81 લાખ કરોડ રૂપિયા થયું છે.
મેક ઇન ઇન્ડિયા (Make in India) પહેલ શરૂ થયા પછી, ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં જબરદસ્ત વૃદ્ધિ (Growth) જોવા મળી છે. સંરક્ષણ મંત્રાલય (Defense Ministry)ના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 1.27 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. મેક ઇન ઇન્ડિયાને કારણે, ભારતનું સંરક્ષણ ઉત્પાદન માત્ર 10 વર્ષમાં 174% વધ્યું છે. નાણાકીય વર્ષ 2014-15માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન માત્ર 46,429 કરોડ રૂપિયા હતું. વ્યૂહાત્મક નીતિઓ, ખાનગી ભાગીદારી, તકનીકી નવીનતા અને અદ્યતન લશ્કરી પ્લેટફોર્મના વિકાસને કારણે આ વૃદ્ધિ જોવા મળી છે. ભારત પાસે મજબૂત સંરક્ષણ ઔદ્યોગિક આધાર પણ છે. આમાં 16 સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો, 430થી વધુ લાઇસન્સ પ્રાપ્ત કંપનીઓ અને લગભગ 16000 MSMEનો સમાવેશ થાય છે, જે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને મજબૂત બનાવી રહ્યા છે.
સંરક્ષણ ઉત્પાદનની સાથે, સંરક્ષણ નિકાસમાં પણ જબરદસ્ત વધારો થયો છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. 21,083 કરોડ સુધી પહોંચી ગઈ. નાણાકીય વર્ષ 2014-15માં તે 1941 કરોડ રૂપિયા અને 2013-14માં 686 કરોડ રૂપિયા હતું. આ રીતે, એક દાયકામાં તેમાં 30 ગણો વધારો થયો છે. આજે ભારત 100 થી વધુ દેશોમાં સંરક્ષણ સાધનોની નિકાસ કરે છે. ભારતનું લક્ષ્ય વર્ષ 2029 સુધીમાં 3 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદન સુધી પહોંચવાનું છે. ઉપરાંત, સંરક્ષણ નિકાસને 50,000 કરોડ રૂપિયા સુધી લઈ જવી પડશે.
ભારતના સંરક્ષણ ઉત્પાદન (Production) અને સંરક્ષણ નિકાસ (Defense export)માં આ વૃદ્ધિનો સૌથી મોટો શ્રેય મેક ઇન ઇન્ડિયા પહેલને જાય છે. મેક ઇન ઇન્ડિયા પહેલથી ધનુષ આર્ટિલરી ગન સિસ્ટમ, એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ, મેઇન બેટલ ટેન્ક (MBT) અર્જુન, લાઇટ સ્પેશિયાલિસ્ટ વ્હીકલ્સ, હાઇ મોબિલિટી વ્હીકલ્સ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ, એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH), લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH), આકાશ મિસાઇલ સિસ્ટમ, વેપન લોકેટિંગ રડાર, 3D ટેક્ટિકલ કંટ્રોલ રડાર અને સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયો (SDR) સહિત અદ્યતન લશ્કરી પ્લેટફોર્મનો વિકાસ થયો છે. આ સાથે, વિનાશક, સ્વદેશી વિમાનવાહક જહાજો, સબમરીન, ફ્રિગેટ્સ, કોર્વેટ્સ, ફાસ્ટ પેટ્રોલ જહાજો, ફાસ્ટ એટેક ક્રાફ્ટ અને ઓફશોર પેટ્રોલ જહાજો જેવી નૌકાદળ (Navy)ની સંપત્તિઓ પણ વિકસાવવામાં આવી છે.