દેશના બજેટમાં ટેક્સના દરોને લઈને દરેક વખતે ટ્રોલ થનાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની પીડા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જોવા મળી હતી. તેમણે ટેક્સને શૂન્ય પર લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ એવું ન કરી શકવા પાછળના કારણ દેશના પડકારોને પણ દર્શાવ્યા હતા.
ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાન (IISER), ભોપાલના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટેક્સના દરો અંગે નિવેદન આપતા કહ્યું કે, “મારી ઈચ્છા તો ટેક્સને શૂન્ય પર લાવવાની છે.”
હકીકતમાં દીક્ષાંત સમારોહને સંબોધિત કરતી વખતે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, “ઘણી વખત એવો સમય આવે છે જ્યારે દેશના નાણા પ્રધાન તરીકે મારે લોકોને જવાબ આપવો પડે છે કે આપણા કર આવા કેમ છે?” ટેક્સ હજુ ઓછો કેમ ન હોઈ શકે? હું તેને લગભગ શૂન્ય પર લાવવા માંગુ છું, પરંતુ દેશ સામે ઘણા મોટા પડકારો છે અને દેશને તેમાથી બહાર આવવાનું છે.”
તમને જણાવી દઈએ કે, ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાન ભોપાલમાં 11મા દીક્ષાંત સમારોહ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે એકેડેમિક બિલ્ડિંગ અને લેક્ચર હોલનો શિલાન્યાસ કર્યો હતો અને સંસ્થા અને શૈક્ષણિક શોભાયાત્રામાં સામેલ થયા હતા.